“ભુખ સામે બધા સવાલો”
ભુખ જાગે ત્યારે પ્રશ્નો ખોટા રહી જાય છે,
ખાલી પેટ સામે તર્કો સૂના રહી જાય છે.
રોટલી શોધતાં પગલાં રસ્તે થાકી પડે,
નેત્રોમાં ઉગેલા સ્વપ્નો અધૂરા રહી જાય છે.
મંચ ઉપરથી ધર્મની વાણી ગાજી ઊઠે ઘણી,
અંતરમાં દબાયેલી આહો મૌન રહી જાય છે.
દિનભર પરસેવાની આગે દેહ સળગતો રહે,
સાંજ પડે હથેળીમાં ફક્ત છાળા રહી જાય છે.
ન્યાય, કરુણા, વચનો ગાજે સભાઓ વચ્ચે,
ઝૂંપડામાં નિર્દોષોના આંસુ રહી જાય છે.
સત્ય લખવા બેઠી કલમ થરથરી ઊઠે ઘણી,
અંતે શબ્દોમાં ‘પ્રસંગ’ રહી જાય છે.
પ્રસંગ
પ્રણયરાજ રણવીર