વિષય: સાહિત્યમાં માનવાધિકાર
શીર્ષક: માણસાઈનો દસ્તાવેજ
કાગળિયામાં ચીતરેલા કાયદાની વાત નઈ,
મારે તો કરવી સે ધબકતા કાળજાની વાત!
આ ચોપડામાં લખ્યું ઈ બધું હાચું,
પણ ઓલી ડેલીએ ઉભેલો માણહ,
જેના મોઢા પર આખા મલકનો થાક સે,
ઈને વંચાય એવો કોઈ કાયદો ખરો?
તમે કયો સો કે બધા હરખા...
તો પસી આ પરસેવો પાડીને જે રોટલો પકવે,
ઈની થાળીમાં જ કેમ ભુખના ડાઘા?
હક એટલે શું બાપલિયા?
ખાલી પાંચ વરહે આંગળીએ શાહી લગાડવી?
ના રે ના...
હક એટલે...
કોઈની શરમ ભર્યા વગર,
આંખમાં આંખ નાખીને વાત કરવાની ત્રેવડ!
કોઈ શેઠની દયા નઈ, પણ પરસેવાનો પાવરો!
સાહિત્ય તો ત્યારે જ જીવતું કે’વાય,
જ્યારે ઈ કોઈના ફાટેલા લૂગડાંનો થીગડું બને.
શબ્દો જ્યારે કોઈના ડૂમો ભરાયેલા ગળાનો
રાડારોટી અવાજ બને!
આ મોટા મોટા ગ્રંથોમાં,
માણસ ગોતવો અઘરો થઈ ગ્યો સે,
બસ હવે તો...
માણસને માણસ રે’વા દયો,
ઈથી મોટો કોઈ માનવાધિકાર નથી,
ને ઈથી મોટી કોઈ કવિતા નથી સ્વયમ્'ભૂ!
અશ્વિન રાઠોડ "સ્વયમ્'ભૂ"