સવાર પડી જાય છે સૂર્યોદય પહેલાં, સપનાં હવે નથી આવતાં;
રોજ ઊઠીને કામે નથી જવું એવાં, બહાનાં હવે નથી આવતાં.
એક સાંજે રખડવાના આનંદને મંઝિલ ગણી મોજ કરતા,
ફરી ફરીને થાકી જવાય છે જિંદગી, ઠેકાણાં હવે નથી આવતાં.
કેટલાંય માણસોથી છે સારો સંબંધ મારે આજકાલ તો,
રાહ જોઉં પણ બાળપણની જેમ, રમવા હવે નથી આવતા.
મહિનો પૂરો થાય ત્યાં સુધીમાં તો ખિસ્સું મોં ચઢાવી દે છે,
સંકટ સમયની સાંકળ જેવા, ગલ્લા હવે નથી આવતા.
ડૂબી રહ્યો છું સતત જવાબદારીઓના અસહ્ય બોજ હેઠળ,
ગળાની ગાંઠ જેવા મિત્રને બચાવવા, દોસ્તો હવે નથી આવતા.
✍️ પંકજ ગોસ્વામી 'કલ્પ'