વરસ આખાનો કર્યો હિસાબ ત્યાં તો દીવાળી આવી
સમય જાણે કે પૂછે જવાબ ત્યાં તો દીવાળી આવી.
વરસ આખું મનગમતું કર્યું , ન્યાય અન્યાય ભૂલીને,
જાણે જીવતા મોટા નવાબ ત્યાં તો દીવાળી આવી.
શતશત દીવડાઓ પ્રગટ્યા અંતરે પ્રકાશને પાથરતા,
કેટલા અધૂરા રહ્યા ખ્વાબ ત્યાં તો દીવાળી આવી.
દીપમાળાના પ્રકાશપુંજે અઢળક ખામીઓ નજરાતી
મેળવ્યા પ્રસંશાના ઇલ્કાબ ત્યાં તો દીવાળી આવી.
આવતું વરસ કહી રહ્યું કે સુધરવાની છે છેલ્લી તક,
છોડી દ્યોને ખોટેખોટા રૂઆબ ત્યાં તો દીવાળી આવી
- ચૈતન્ય જોષી ' દીપક ' પોરબંદર.