પ્રથમ મિલનનું મૌન કેવું અકળાવશે કોને ખબર
પળો એ તમામ કેટલી અજવાળશે કોને ખબર
સ્વીકાર મારે હૈયે ભલે પૂરેપૂરો જ હોય તારો
તારું મન મારા માટે કેટલું ટળવળશે કોને ખબર
પૈડું તૂટ્યા પછી પણ રથ દોડે છે રણમેદાનમાં
ઘોડો ને સારથી આજ કેવાં ફળશે કોને ખબર
સલામત શરીર અસલ મૂડી હોય છે મજૂરોની
તૂટેલો હાથ ક્યાં જઈ રોટલો રળશે કોને ખબર
સુખ દુઃખનાં ત્રાજવે તોળીને ખુશ રહે છે એ
સૌને કેટલું ક્યારે ક્યાં કેમ મળશે કોને ખબર
જીદ ન્હોતી મારી અહીં કદી કશુંય પામવાની
અંત જિંદગીનો કઇ દિશાએ વળશે કોને ખબર
પૂજન મજમુદાર