રોજેરોજ ગીત તારું હરિ મુજને ગાવા દેજે.
રુઠ્યાં હોય જે મારાથી એને મનાવવા દેજે.
લોકો કહે છે કે કલિયુગ પણ મારે રામયુગ,
ઝઘડા, કલહ, કંકાશથી મને દૂર જાવા દેજે.
છે નયનને પ્રતિક્ષા નિરંતર રામ આગમનની,
વરદ હસ્ત પ્રભુનો શિર ઉપર ફેરવવા દેજે.
હેત હૈયાનું ભરી રાખ્યું સ્વાગત કાજે હરિ,
અણનમ શીશ મારું ચરણે ઝૂકાવવા દેજે.
તું રામ બને કે કૃષ્ણ કોઈ ફેર નથી પડવાનો,
હું છું હરિવર તારો એવું અનુભવવા દેજે.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.