કળીયુગનું મહાભારત...!!
પાંચ પતિની પાંચાલીને વીર રમતમાં હારે,
કેશ ખેંચી દુઃશાસન ભરી સભામાં લાવે
ધૃતરાષ્ટ્રની આંધળી દ્રષ્ટિ ઝુકાવી દૃશ્ય જોવે,
આર્તનાદનો પુકાર સૌ બહેરા બનીને સાંભળે
કૃષ્ણ! કૃષ્ણ! સ્મરણ કરતાં ગોવિંદ લાજ બચાવે,
નારીના પ્રશ્નાર્થે સભા લજ્જિત મૌન ધરે
આ તો થયું સતયુગનું, કળિયુગનુ મહાભારત તો બાકી !
નારી તું નારાયણી થયું નિબંધમાં કેદ,
નર અને નારીમાં શાને આટલો ભેદ ?
સ્વતંત્રતાની દોરી બાંધી રાખી હાથમાં,
ચાંદ પર જા પણ રસોઈ બનાવીને જા
સતયુગમાં તો ભાર્યાને દાવમાં હારતાં જ જોયું,
કળીયુગમાં તો ચિરતા પણ જોયું !!
સ્ત્રી સશક્તિકરણ છે માત્ર ગુગલ, ફેશબુક, ઈન્સ્ટામા,
ચાર દિવાલોના બંધનમાં તો તું છે નારી અબળા
ટૂંકા વસ્ત્ર પહેરતા સમાજ આંગળી ઉઠાવે,
દ્રૌપદીના વસ્ત્રને કેમ કોઈ ન જાણે !!
એક સ્ત્રીનું અપમાન ને અઢાર દિવસનું યુદ્ધ,
આજે રસ્તા પર નીકળતા ઠેર ઠેર દુઃશાસન મળે
ચીર પૂરી નારીની રક્ષા કરી જાણે એ મારો કૃષ્ણ,
અફસોસ! કૃષ્ણ, કાનો, કેશવ નામ તો આજેય છે
પણ હાલ તે મોબાઈલમાં વ્યસ્ત છે,
દ્રૌપદી ! હવે તારી રક્ષા તારે સ્વયં કરવી પડશે
કળીયુગનો કાનો, કેશવ અને માધવ આવશે,
પણ વિડિયો બનાવવા આવશે !!
લિ.
આશા ચિરાગ મોદી