તૈત્તિરીયોપનિષદ
જ્ઞાનનાં પાંચ ક્ષેત્રો
सह नौ यशः। सह नौ ब्रह्मवर्चसम्। अथातः संहिताया उपनिषदं व्याख्यास्यामः। पञ्चस्वधिकरणेषु। अधिलोकमधिज्यौतिषमधिविद्यमधिप्रजमध्यात्मम्। ता महासंहिता इत्याचक्षते॥૧.૩.૧॥
અન્વયાર્થ: नौ આપણને બન્ને (ગુરુ-શિષ્ય)ને यशः યશ सह સાથે સાથે મળે; नौ આપણને બન્નેને ब्रह्मवर्चसं બ્રહ્મતેજ सह સાથે-સાથે જ પ્રાપ્ત થાય; अथ હવે अतः તેથી જ पञ्चसु પાંચ अधिकरणेषु અધિકરણો (જ્ઞાનક્ષેત્રો)માં संहितायाः (પૂર્વોક્ત) સંહિતાનું उपनिषदं રહસ્ય व्याख्यास्यामः કહીએ છીએ: अधिलोकम् લોકસંબંધી, अधिज्योतिषम् જ્યોતિસંબંધી, अधिविद्यम् વિદ્યાસંબંધી, अधिप्रजम् પ્રજાસંબંધી અને अध्यात्मम् અધ્યાત્મસંબંધી (આ પાંચ જ્ઞાનનાં ક્ષેત્રો) છે. ताः તે (પાંચેય) महासंहिताः મહાસંહિતા इति છે એમ आचक्षते કહેવાય છે.
અનુવાદ: આપણને બન્ને (ગુરુ-શિષ્ય)ને યશ સાથે સાથે મળે; આપણને બન્નેને બ્રહ્મતેજ સાથે-સાથે જ પ્રાપ્ત થાય; હવે તેથી જ, પાંચ અધિકરણો (જ્ઞાનક્ષેત્રો)માં (પૂર્વોક્ત) સંહિતાનું રહસ્ય કહીએ છીએ: લોકસંબંધી, જ્યોતિસંબંધી, વિદ્યાસંબંધી, પ્રજાસંબંધી અને અધ્યાત્મસંબંધી (આ પાંચ જ્ઞાનનાં ક્ષેત્રો) છે. તે (પાંચેય) મહાસંહિતા છે, એમ કહેવાય છે.
ભાષ્ય: શીક્ષાવલ્લીને સાંહિતી ઉપનિષદ પણ કહેવામાં આવે છે. કદાચ તમે શિક્ષક હો, તો તમે શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં અધ્યયનસિદ્ધાંતો જોયા હશે. ત્રણ જર્મન મનોવૈજ્ઞાનિકો - કોહ્લર, કોફકા અને વર્ધીમરે એક અધ્યયન સિદ્ધાંત આપ્યો હતો, જેને ‘Gestalt theory of learning’ કહે છે. તેમાં એ સાબિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે કોઈપણ તત્ત્વનું જ્ઞાન એ પૂર્વ અને અપૂર્વ જ્ઞાનનાં જોડાણ (સંહિતા)થી થાય છે. તેમનું સુલતાન નામના ચિપાન્ઝીનું દ્રષ્ટાંત યાદ હશે, જેમાં ચિપાન્ઝીનો પૂર્વાનુભવ જ જ્ઞાનપ્રાપ્તિમાં પરિણમે છે. બે વર્ણો કે બે શબ્દોનું આત્યંતિક સામીપ્ય જ તેને અર્થ પ્રદાન કરે છે. આ સંહિતા (સામીપ્ય) સ્થળ અને કાળની હોઈ શકે. ગત જન્મની જ્ઞાનસ્મૃતિ વર્તમાનના અનુભવ સાથે જોડાઈને સંહિતા બનાવી શકે છે. આમ સંહિતાને કાળનું પણ બંધન નડતું નથી. જ્ઞાનાત્મક વેદોને બ્રાહ્મણો, આરણ્યકો અને ઉપનિષદોનાં જોડાણથી સમજવા પડે છે. જેમ વર્ણોનાં સામીપ્યથી જ અર્થ પ્રગટ થાય છે, તેમ જગતમાં કોઈપણ તત્ત્વનું જ્ઞાન સંહિતા પદ્ધતિથી પ્રાપ્ત થાય છે. બે વર્ણોને જોડતું તત્ત્વ સંધિ કહેવાય છે. તેનાથી એક ત્રીજું જ શબ્દસ્વરૂપ (ફળ) પ્રાપ્ત થાય છે. ઘણીવાર આ સંધિ (ફળ) કરાવનાર તત્ત્વ દેખાય છે, તો ઘણીવાર તેની ભૂમિકા ગુપ્ત રીતે ચાલે છે. સંધિ કરાવનાર તત્ત્વને સંધાન કહે છે. ઉપનિષદો કહે છે કે પરમતત્ત્વ એક, અદ્વિતીય, અખંડ અને જ્ઞાનરૂપ છે, તેથી જ્ઞાન હંમેશાં અખંડરૂપે અનુભવાય છે, ખંડિતરૂપે નહિં. જ્ઞાનના વિખરાયેલા ટુકડાઓની સંહિતા (જોડાણ) કરવાની યાંત્રિક આવડત (mechanism) આપણને પરમાત્માએ જન્મથી જ આપેલી છે. હાથીની સૂંઢપરથી આપણાં મનમાં ઉઠતી હાથીની જ્ઞાનાત્મક અનુભૂતિ આ સત્યની સાબિતી આપે છે.
શીક્ષાવલ્લીના પ્રસ્તુત અનુવાકમાં નમૂનારૂપ પાંચ જ્ઞાનનાં ક્ષેત્રો આપ્યાં છે, જેમાં આ સંહિતાપદ્ધતિદ્વારા જે તે ક્ષેત્રનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત થાય છે. જ્ઞાનનાં ક્ષેત્રો અને તેનું જ્ઞાન પ્રાપ્ત કરવાની રીતની મીમાંસા કરતાં પહેલાં એક સત્ય સમજી લેવું આવશ્યક છે કે ઉપનિષદો શિક્ષણને ઉપાસના તરીકે સ્વીકારી, આગળ વધે છે. ઉપાસનાનો જ અર્થ સંહિતા થાય છે, જેમાં ગુરુ, શિષ્યની સંહિતા (જોડાણ) જ જ્ઞાનસાધક બને છે. પ્રસ્તુત અનુવાકમાં લોક, જ્યોતિ, વિદ્યા,પ્રજા અને અધ્યાત્મ, એમ પાંચ જ્ઞાનનાં ક્ષેત્રોની મીમાંસા કરવામાં આવશે. આ પાંચ ક્ષેત્રમાં વિદ્યા અને અવિદ્યા બન્નેનાં જ્ઞાનનો સમાવેશ થઈ જાય છે, તેથી તેને મહાસંહિતા (great combination) કહેવામાં આવે છે. જગતનું એવું કોઈ જ્ઞાન નથી, જે આ પદ્ધતિએ ન મેળવી શકાય. આ સંહિતાનાં રહસ્યપરથી એક પછી એક પડદા હટાવવામાં આવશે.
જ
સૌજન્યઃ-
ડો. મહિમનસિંહ ગોહિલ
Boston, USA
૨૭.૭.૨૦૨૪