એક ગામ હતું. એ ગામના પાદરે એક ખૂબ જ મોટું વડનું ઝાડ હતું.ગામના લોકોની એવી માન્યતા હતી કે એ વડલા ઉપર ભૂતનો વાસ છે.એ જ ગામમાં રહેતા મગનકાકા કાયમ ગામના લોકોને કહેતા કે એ વડલા ઉપર એવું કશું જ નથી. આ માત્ર તમારી માનસીકતા છે.એક દિવસની વાત છે એ ગામમાં રહેતા જીતુભાઈને કોઈ કારણસર ગામમાં આવતા મોડું થઈ ગયું અને રાત પડી ગઈ.ગામમાં આવવા માટે જીતુભાઈને એ વડલા આગળથી તો નીકળવું જ રહ્યું એટલે તેઓ હિંમત કરીને પોતાની સાયકલ ઉપર એ વડલા આગળથી નીકળ્યા તો ખરા પણ જેવા એ વડલા આગળથી પસાર થવા ગયા એમની સાયકલનું પાછળનું પૈડું ફરતું બંધ થઈ ગયું.જીતુકાકા ને તો એમ જ લાગ્યું કે આજે તો હું ગયો.તેમણે બીક ના માર્યા સાઇકલ ત્યાં જ વડલા આગળ ફેંકી દીધી અને પોતાનો જીવ બચાવવા માટે ગામ તરફ ભાગવા માંડ્યા અને ઘરે આવીને ગોદડું ઓઢીને ઊંઘી જ ગયા. બીજે દિવસે સવારે આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ.ગામવાળા બધા ભેગા થઈ મગનકાકા ના ઘરે ગયા અને મગન કાકા ને કહેવા લાગ્યા કે,"જોયું ને તમે કહેતા હતા ને કે વડ પર કોઈ ભૂત નથી તો જુઓ આ રહ્યું એનું ઉદાહરણ.હવે કંઈ કહેવાનું થાય છે તમારે?" મગનકાકા પોતાની વાત ઉપર કાયમ રહ્યા અને ગામવાળાને કહ્યું કે "ચાલો આજે તો આપણે બધા ભેગા થઇને જોઈએ કે એવું તે કહ્યું ભૂત છે કે જે આપણને આપણા જ ગામમાં આવવા નથી દેતું." પણ ભૂતની બીકે કોઈ એમની સાથે જવા માટે તૈયાર થયું નહીં. પણ મગનકાકાએ હાર ના માની તેઓ એકલા વડ આગળ ગયા અને ત્યાં જઈને જોયું તો જીતુભાઈની સાયકલના પૈડામાં દોરડું ફસાઈ ગયું હતું જેનો ઉપયોગ તેઓ ઢોર માટે ચારો બાંધવા કરતા. અને આ જ કારણથી એમની સાયકલનું પૈડું ફરતું બંધ થઈ ગયું હતું. મગનકાકા સાઇકલને ગામમાં લાવ્યા અને ગામવાળાને બતાવી કે "જુઓ ત્યાં કોઈ ભૂત નથી પણ આ દોરડાના કારણે જીતુની સાયકલ નું પૈડું ફરતું બંધ થઈ ગયું હતું. હવે તો તમને મારી વાત ઉપર વિશ્વાસ આવ્યો ને કે વડલા ઉપર કોઈ ભૂત નથી.અને આજે તો આજ વાતને સાબિત કરવા માટે હું જાતે તે વડલા આગળ આખી રાત બેસી રહેવાનો છું.જોઉં છું એ વડલાનું ભૂત મને શું નુકસાન પહોંચાડે છે?" ગામના અન્ય બહાદુર યુવાનો પણ મગનકાકા જોડે જવા તૈયાર થઈ ગયા અને એ રાત્રે લગભગ 10 થી 12 જણા રાત્રે વડલા નીચે જઈને બેઠા.ધીમે ધીમે સમય પસાર થતો ગયો. વડલાના ઠંડા પવનમાં ક્યારે બધાં સૂઈ ગયા ખબર જ ના પડી.સવાર પડતાં જ બધા ગામમાં પાછા આવ્યા. બધાને હેમખેમ પાછા આવેલા જોઈને ગામના લોકોને આશ્ચર્ય તો થયું અને આનંદ પણ થયો કે બધાં હેમખેમ પાછાં આવી ગયાં.ત્યારબાદ ધીમે ધીમે ગામનાં બધા જ લોકો વડલાની ઠંડકના વખાણ સાંભળી રાત્રે ત્યાં બેસવા લાગ્યા.ગામનો એ ભૂતિયા વડલો ગામ લોકો માટે આશીર્વાદ બની ગયો.બધાનો વિશ્વાસ દ્રઢ થવા લાગ્યો કે ખરેખર વડલા ઉપર કોઈ જ ભૂતનો વાસ નથી એ બધી માત્ર એમની માનસિકતા હતી.તો મિત્રો ક્યારેક આવી જૂની માન્યતાઓ પણ આપણી માનસિકતા બની જતી હોય છે.બસ જરૂરી છે હિંમત કરીને એને બદલવાની. આભાર..
#Mindset