હૃદયના તળેથી કંઈક ઉગવું એ જ સાર્થકતાનું સીમાચિન્હ
ઘણીવાર જીવનમાં "વન" જેવું કંઈક સૂકું પરિસર મરજીવા આપણને બનાવીને, મૃગજળના દરિયામાં ડૂબકી એટલા માટે મરાવે છે કે તડકે છાયડે તમે મહોરી શકો. "તત્વ" સુધી પહોંચવું હોય તો શૂન્યાવકાશની કસોટી એ ખરાં ઉતરવું જ પડશે. "મથામણ" એ સૌથી યોગ્ય "ક્રિયા તત્વ" છે "સ્વ" સુધી પહોંચવાને. જ્યાં "મથામણ"નું તત્વ નથી, ત્યાં સ્થગિતતા છે. જીવનને જ્યાં સુધી "વલોણું"ન મળે જે વલોપાત ન સર્જે, ત્યાં સુધી તેમાંથી મીસરી તત્વની વ્યુત્પત્તિ થતી નથી. "વમળો"ન સર્જાય ને તો તળાવ પણ જીવંત બનતું નથી. જીવન પણ આવાં "અટકચાળા" , "કંકરચાળા" કરીને આપણાં જીવનમાં સતત વમળો સર્જતુ રહે છે. જેના વર્તુળો પ્રસરતા રહે છે, તેના લયની નજીક. જીવનમાં બધું જ એક "લયમાં" છે. જે "અલય" છે તે શાશ્વત નથી. અને જે શાશ્વત છે તેનામાં કુદરતી એક લય હોય છે. પવન કહો કે વરસાદ, પંખીનો કલરવ કહો કે ઝરણાનો ખળખળ અવા, હૃદયના ઊંડાણમાંથી તરંગાતી લાગણીઓને પણ એક લય હોય છે. તેમાં આપણી મરજી નહીં , આપણી હયાતી આપણી સૂક્ષ્મતા, આપણી સાશ્વતી, સુગંધાતી હોય છે. બસ આપણે આપણાં એ લયને ઓળખી તેમાં લીન થવાનું છે. ધ્યાનની પ્રક્રિયા આપણને આપણાં લય સુધી પહોંચાડવાનું જ કામ કરે છે. ખલેલ પામેલી આપણી જાતને, સુનકાર વ્યાપેલ આપણા મનોજગતને એક પ્રકાશિત પૂજ સાથે લીન થવાનો, એક લય નો સેતુબંધ રચી આપવાનું કાર્ય મેડીટેશન કરે છે." હું" ની જ્યાં ગેરહાજરી હોય અને જીવાત્માં સંકીર્ણ બની જીવ "તત્વ"ને "પરમ"તત્વમાં હોમી ગઈ જીવન યજ્ઞમાં આહુતિ સ્વની આપી જીવતે જીવ તર્પણ કરી શકે ને, એ અકળ યોગને પામે છે. જ્યાં નથી તેને સુખ અડતું, નથી તેને દુઃખ સ્પર્શતું , નથી તેને માન અપમાનની પરિભાષાની અનુભૂતિ થતી. જ્યાં "હું" પણું હોમાઈ ગયું છે, ને ત્યાં જીવનના ઈર્દ ગિર્દ માત્ર "ચમત્કૃતિ"જેને કહીએ છીએ એવી સંપદાઓ જ જન્મે છે .
જીવનને જેવું છે તેવું જ જીવવું હોય, જે હેતુથી ઈશ્વરે બનાવ્યું છે તે હેતુથી તેને પામવું હોય, જે વમળો સર્જાયા છે તેના તેની સાર્થકતા અને "હેતુતત્વ" સાથે જાગ્રત થવું હોય તો "મથામણ" સાચી કરજો. કંઈ જ સ્થુળ વસ્તુને મેળવવાં ,સાચવવામાં જિંદગી પૂરી ના કરી નાંખતા .પોતાની ભીતર રહેલાં "ઈશ્વરતત્વ","સ્વ તત્વ" "ગીતાતત્વ"," કૃષ્ણતત્વ" સુધી પહોંચવાની મથામણ કરજો. અને તે માટે "અર્જુનતત્વ" પોતાનામાં ખીલવા દેજો. પોતાનાં વિષાદને ઘેરો થવા દેજો. તે વિષાદના અંધારામાંથી અંતરઆત્માના અવાજને સાંભળી મોહમાયાના મૃગજળોના પરિભ્રમણમાંથી વિલુપ્ત થવા પ્રયત્ન કરજો. આસક્તિની તીવ્રતાનો અનુભવ કર્યા પછી જ વૈરાગ્ય સુધી પહોંચી શકાય છે. આપણે પીડા થી "પર" ત્યારે જઈ શકીએ જ્યારે તેની તીવ્રતમ કક્ષાએ પહોંચ્યા પછી તેનામાં રહેલી "સત્વ"અને "તત્વ"ની મીઠાશ ચાખી શકીએ.
હળવે હળવે ઝેર પણ પીવાઈ જાય છે એ "મિત ",
તું "મીરાંતત્વ"ને ખુદમાં પ્રસરવા તો દે .
આગમ નિગમની દુનિયાથી વિલુપ્ત થઈ જઈશ તું ,
" રાધાતત્વ " ને શ્રદ્ધાપૂર્વક સુગંધાવા તો દે .
નિર્મળ હશે તો "નિશિગંધ" બનશે
તું "ગંગાતત્વ" ને ખુદમાં પ્રસરવા તો દે .
પીડા ની એ સર્વોચ્ચ કક્ષા હશે એ "મિત",
જ્યાં "અગ્નિકન્યા" બની સન્મુખ કૃષ્ણની બળવા તો દે .
મિત્તલ પટેલ
"પરિભાષા"