🕉️ ☮️
શ્રી ગણેશ:
પ્રાચીન યુગમાં દધીચિ નામના એક બહુ પવિત્ર અને દયાળુ ઋષિ હતા. વિષ્ણુના એ મોટા ભક્ત હતા. વિશ્વ પ્રસિદ્ધ નારાયણક્વચ સ્તોત્ર પણ એમણે જ લખેલું.
એ સમયે દેવો અને દાનવો વચ્ચે વારંવાર યુદ્ધ થતાં. જ્યારે પણ દેવોની હાર થાય ત્યારે એ દધીચિ પાસે પોતાનાં શસ્ત્રો મૂકી જતા. બીજીવાર યુદ્ધ કરવા માટે દેવો પાછા ફરે ત્યાં સુધી દધીચિ હથિયારોની રક્ષા કરતા.
એકવાર એવું થયું કે બહુ લાંબા સમય સુધી દેવો પોતાનાં શસ્ત્રો લેવા આવ્યાં જ નહીં. આ તરફ ચોકીપહેરો રાખીને દધીચિ થાકી ગયા. છેવટે એમને યુક્તિ સૂઝી દધીચિને મધુવિદ્યા નામનો મંત્ર આવડતો હતો. આ મંત્રમાં હથિયારોને પ્રવાહીમાં ફેરવી નાખવાની શક્તિ હતી. દધીચિ આ મંત્રના ઉચ્ચારણથી પ્રવાહી બનાવી દીધેલાં હથિયારોને પાણીમાં ભેળવીને પી ગયા. હવે દેવોનાં શસ્ત્રો ઋષિના પેટમાં સલામત હતા. એ પોતે પહેરો ભરવાની જવાબદારીમાંથી મુક્ત થઈને ઇચ્છા થાય ત્યાં ફરવા માટે સ્વતંત્ર હતા.
આ દરમ્યાન વૃત્રાસુર નામના એક મહાન બળવાન અસુરે કઠોર તપસ્યા કરીને બ્રહ્મા પાસેથી બહુ જોખમી ગણાય એવું વરદાન મેળવી લીધેલું. લાકડા કે ધાતુમાંથી બનાવેલું કોઈ શસ્ત્ર એને મારી નહોતું શકતું. એના પર હવે દેવોના કોઈ હથિયારની અસર નહીં થાય એ જાણી ગયેલા વૃત્રાસુરના ઘમંડનો પાર નહોતો રહ્યો. ચારેકોર એનો ત્રાસ ફેલાઈ ગયેલો.
એક દિવસ તો વૃત્રાસુરે આખી દુનિયામાં હતું એટલું બધું પાણી ચોરી લીધું. ચારે તરફ લોકો તરસથી મરવા લાગ્યા. મદદ માટેની એમની ચીસો છેવટે દેવોના રાજા ઇન્દ્રના કાને પહોંચી. એણે અસુર સામે લડવાનું નક્કી કર્યું અને શસ્ત્રો લેવા માટે દધીચિ પાસે પહોંચી ગયો.
ઋષિના આશ્રમમાં ક્યાંય શસ્ત્રો દેખાયાં નહીં. ગુસ્સે થયેલા ઇન્દ્રએ દધીચિને ખૂબ ખરીખોટી સુણાવી. એમના પર બેદરકારીનો આક્ષેપ મૂક્યો.
દધીચિએ શાંતિથી બધું સાંભળી લીધું અને પછી કહ્યું, “તમને જોઈએ એ બધાં હથિયાર હું પી ગયો છું અને એ મારા શરીરની અંદર છે. પણ ચિંતા નહીં કરતા હું મારો દેહ ત્યાગી દઈશ. પછી તમે મારાં હાડકાંમાંથી જે શસ્ત્રો બનાવશો એ લાકડા કે ધાતુના નહીં હોય, અને વૃત્રાસુરને મારવામાં એ ઉપયોગી થશે."
વગર વિચાર્યે ઋષિને કડવાં વેણ સંભળાવી દેવા બદલ ઇન્દ્રને પસ્તાવો થવા લાગ્યો. શસ્ત્રો મળી જાય, પણ દધીચિ જીવિત રહે એવો કોઈ ઉપાય શોધવા એણે પ્રયાસ કર્યો. પરંતુ એ શક્ય નહોતું. દધીચિએ એમને આશ્વાસન આપતાં કહ્યું, “ભગવાન, આ શરીર અવિનાશી નથી. આજે નહીં તો કાલે મારે મરવાનું જ છે. તો આજે સારા કામ માટે મને મરવા દો.”
ઇન્દ્રએ કચવાતે જીવે હા પાડી અને દધીચિએ પોતાની યોગશક્તિ દ્વારા દેહ છોડી દીધો. એમની કરોડરજ્જુમાંથી ઇન્દ્રએ વજાયુધ નામનું શસ્ત્ર બનાવ્યું જે હીરા જેટલું મજબૂત હતું — શરીરનાં બીજાં હાડકાંમાંથી પણ શસ્ત્રો બન્યાં. છેવટે ઇન્દ્રએ વજાયુધ દ્વારા વૃત્રાસુરનો વધ કર્યો.
અસુરના મૃત્યુ પછી એણે ચોરી લીધેલું પાણી પૃથ્વી પર પાછું ફર્યું દધીચિએ પોતાના જીવનું બલિદાન આપીને લોકોનું જીવન બચાવી લીધું. દુનિયામાં ફરીને સુખશાંતિ સ્થપાઈ ગયા.
શિવ શંભુ.
🙏