"શીરો"
લાભપાંચમે મીત પાસે માતા સરસ્વતીની પૂજા કરાવીને શીરો ધરાવેલ. તે શીરો મીતની મમ્મીએ સાંજે પ્રસાદ તરીકે સાથે લીધો અને મા અને દિકરો સાંજે એક સગાને ત્યાં જમવા ગયા. ત્યાં કોન્ટીનેન્ટલ જમવાનાની સાથે સાથે શીરાનો ડબ્બો પણ મૂકવામાં આવ્યો. મોર્ડન મહેમાનોએ કોન્ટીનેન્ટલ જમવાનાં ભરપેટ વખાણ કર્યા પણ શીરાના ડબ્બાને ભાગ્યે જ કોઈએ હાથ અડાડ્યો . ઘરે જતાં મીતની મમ્મીએ શીરાનો ડબ્બો ચૂપચાપ થેલામાં મૂકી દીધો અને પછી ઘરે જવા બસ પકડી. મમ્મીનો ઉદાસ ચહેરો જોઈને મીત આખી વાત પામી ગયો. ગળી વસ્તુને હાથ પણ ન લગાડનાર મીતે એ દિવસે સામે ચાલીને થેલામાંથી શીરાનો ડબ્બો કાઢીને શીરો ખાધો. રસ્તા ઉપર હજી ઘણી જગ્યાઓ એ દિવાળીની રોશની ઝગમગી રહી હતી. મીત પણ મમ્મીનાં હોઠ પર સ્મિત લાવવામાં સફળ રહ્યો હતો.