હું કોણ ? જે અંદર છે એ કે બહાર બસ દેખાવ કરે છે એ ? જે ભીતર સંવેદના વ્યક્ત કરે છે એ કે જે બહાર બસ તેને દબાવી રાખે છે એ ? ખુશી,દુઃખ,અકળામણ, ગુસ્સો,ચિંતા,વહેમ જેને સૌથી પહેલા અસર થાય છે એ અંદર રહેલા માણસે બહાર રહેલા માણસ સાથે વાત કરતા આવડવું જોઇએ.અંદરના માણસે પોતાના નિર્ણય ને બહારના માણસ સુધી પહોંચાડવા ઉપર રહેલા ભેજાની પરમિશન જોઈએ છે. હમેશા અંદર બહારના ચક્કરમાં કેટલા બધા અટવાયેલા રહીએ છીએ આપણે ! અંદરથી અલગ અને બહારથી અલગ દેખાવામાં કેટલા બધા નિપૂણ થઈ ગયા છીએ.
ખુદને શોધવાની દોડમાં ક્યારે થાકી જવાય છે ખબર નથી પડતી ? કેટકેટલાય નિર્ણયો પછી પણ કોઈ નિર્ણય પર ના આવી શકવાનો ભારોભાર ખેદ વરતાયા કરે છે.
પોતાની બારીમાંથી દેખાતુ વિશ્વ જાણે ના દેખાયાનો ઢોંગ કરીને પવન મારફતે અથડાયા કરે છે. વિશ્વને પણ હવે આપણા જેવી ટણી કરતા આવડી ગઈ છે. મારે એની ટણી સહન ના કરવી જોઇએ.શું મારે બારી બંદ કરી દેવી જોઇએ. ના….હું હંમેશાથી આ બારી બંદ જ કરતો આવ્યો છું આજે પણ મારે બંદ કરીને જતા રહેવું જોઈએ ?
કેમ કરીને ખુદને અમસ્તાં જ કપરી પરિસ્થિતિમાં પસાર થતા જોતા રહેવાની સજા મળે છે.કેમ આખે આખું વિશ્વ એક સમયે એક જગ્યાએ હાજર નથી થઈ શકતું ? કેમ એક બાજુ રાત તો એક બાજુ દિવસ બદલાયા કરે છે ? કેમ અગણિત તારલાઓ વચ્ચે પણ ચંદ્ર અમસ્તાં જ પ્રકાશથી આખું આકાશ પ્રકાશિત કરી દે છે ?
સવાલો ઘણા છે સામે જવાબો પણ હાજર છે.જીતી ના શકવાની ક્ષમતા છતાં જીતવાની તાલાવેલી ગહન થતી જાય છે.જીતવાની નજીક હોઈને હારી જવાય છે.હારવાની નજીક હોઈને ક્યારેક જીતી જવાય છે.માણસ નામે માંસનો લોચો આમ તેમ દોડ્યા કરે છે. માણસ માણસ નહિ પણ એક રમકડું છે જેમ ચાવી ભરો એમ રમ્યા કરે ને બોલ્યા કરે !