"ઘૂમટો."
-@nugami.
"પતિ એ પત્નીને કોઈ વાતની છૂટ આપવી પડતી હોય તો એ સંબંધ,સાથે જીવન વિતાવવાનો હોઈ જ ના શકે."
💙
પહેલાના જમાનાની તો વાત જ ના કરતાં, જમાનો બદલાઈ ગયો, પણ અંતરિયાળ ગામમાં સ્ત્રી માટે નહિ.
પત્ની એ કોઈ નિયંત્રણમાં રાખવાનું સાધન નથી. પુરુષ જયારે એમ કહે કે, "મેં તો મારી ઘરવાળીને ફલાણી ફલાણી છૂટ આપી છે."
ત્યારે એ સાબિત થાય છે કે, એ પુરુષે સ્ત્રીને માત્ર સંબંધ જ માની છે.
અમુક રૂઢિગત માન્યતાઓને લીધે સ્ત્રી પણ અમુક ઢાંચામાં ઢળી ગઈ હોય છે.અને એને સ્વીકારીને જ ચાલે છે, જેથી ઘરમાં બીજાને કોઈ તકલીફ ના પડે.
બધાના મન સાચવવામાં પોતાનું મન મારી દે છે.
પણ,હૃદયનાં ક્યાંક ખૂણે એને પણ જીવનશૈલીમાં પરિવર્તન જોઈતું હોય છે.
પણ, એ ઢસરડા કરવાનાં ચીલામાંથી બહાર નીકળતાં, સમાજ નામનાં વાઘથી ગભરાય છે.
💙
"સ્ત્રી તો ઘુમટામાં જ બરાબર છે."
"પેઢી દર પેઢીની પરંપરા પ્રમાણે જ રહેવાય."
"દેશી પહેરવેશમાં જ સારુ લાગે."
"ઈજ્જત તો લાજથી જ સચવાય."
💙
નાહવા જઈને આવીને ભીના વાળ પર હેર ડ્રાયર નહિ, પણ ઘુમટો તાણેલો હોય,અને
એજ ભીના વાળની ગાંઠ બાંધી ખેતરે કામ કરી,
રસોડામાં જઈને ફરી પરસેવે રેબઝેબ થઇને એ જ વાળની ગંધ સાથે, ને શરીરની પરસેવાથી થતી ચિકાશ સાથે ફરી દિવસ કાઢવાનો હોય અને
લાજો કાઢી કાઢી ને,છતી આંખે બસ ઓઢણીની બહાર દુનિયાની ઝાંખપ જ ભાગમાં આવે, ત્યારે સ્ત્રી શું છે એ સમજાય.
💙
કહું છું,
કોને ખુલ્લા આભમાં ઉડવું ના ગમે?
કોને ખુલ્લા આભ નીચે લીલાછમ ઘાસમાં તારલાઓની ટાઢકમાં મનગમતાં વ્યક્તિ સાથે વાતો કરવી ના ગમે?
કોને ભીના વાળ ખુલ્લા રાખી તેમાં પવનની મીઠી લહેરનો સ્પર્શ ના ગમે?
કોને આરામથી પોતાના ઘરનાં સભ્યો સિવાય પોતાની જાત માટે સમય નીકાળવો ના ગમે?
કોને પોતાના અંગત સામે મનની વાત કરવી ના ગમે?
💙
ઘણાં વિચારે છે કે, સ્ત્રીને વધારે છૂટ ના અપાય.
પણ શું ખરેખર સ્ત્રીને છૂટ જોઈએ છે?
ના, ક્યારેય નહિ. સ્ત્રી છૂટ નથી માંગતી, સ્ત્રી માત્ર પોતાની જાત સાથે જીવવા માંગે છે.
અને જે સ્ત્રી, પુરુષને બાળક તરીકે ગર્ભમાં ૯ માસ સાચવી શકે છે, એને છૂટની જરૂર નથી.
💙જો પત્નીને પતિ પાસેથી છૂટ મળતી હોય, અને પતિ છૂટ આપીને હરખાતો હોય કે એણે મોટુ તીર માર્યું છે જે-તે વસ્તુની છૂટ આપીને,
તો પછી પત્ની પાસે પણ અમુક એવી ઑથોરિટી હોવી જોઈએ, કે એ પણ પોતાના પતિને અમુક વાતની છૂટ આપી શકે ,કે જેમને પહેલેથી જ કોઈ બંધનમાં રાખવામાં જ નથી આવ્યા.
💙
બંધનમાં રાખવું અને બંધનમાં રહેવું એમાં ઘણો ફેર હોય વ્હાલા!
💙
ક્યારેક ધૂમટો તાણી ભર ઉનાળે રસોડામાં ચૂલે વધારે નહિ, પણ એકાદ પોતાના પેટ માટે જ રોટલો શેકી તો જુઓ.
છૂટ કોને કહેવાય એ ખબર પડી જશે.
-@nugami.