સુખના સરવાળા કરી જીવવાની જિંદગી.
દુઃખની બાદબાકી કરી જીવવાની જિદગી.
પ્રત્યેક માનવ આખરે અંશ છે ઈશ્વર તણો,
સ્નેહના ગુણાકાર કરી જીવવાની જિંદગી.
નિષ્ફળતા મળતાં નાસીપાસ થવાતું સહજ,
નિરાશાના ભાગાકાર કરી જીવવાની જિંદગી.
રોજરોજ નૂતન આશાનો વ્યાસ વધારવાનો,
પ્રયત્નોની ચાપ વધારી જીવવાની જિંદગી.
બીજાની રેખા ભૂંસવાથી આગળ ના વધાય,
ઉત્સાહનાં કિરણ ફેલાવી જીવવાની જિંદગી.
જિંદગીના કોઈ ખૂણે લેશમાત્ર નિરાશા ન હો,
મિત્રો તણું વર્તુળ બનાવી જીવવાની જિંદગી.
જગતના સમતલ પર દુઃખ વિના ન હોય કોઈ,
સમરૂપતા મહાનની કરી જીવવાની જિંદગી.
પ્રથમ નજરે સજ્જન દુર્જન એકરૂપ ભાસતા,
રે દુષ્ટજનનો છેદ ઉડાડી જીવવાની જિંદગી.
વદી આવે જીવનમાં એવાં કૃત્યો કરવાં ઘટે,
શુદ રાખીને વદને વિદારી જીવવાની જિંદગી.
નફા-ખોટનો સઘળો હિસાબ કરશે ઉપરવાળો,
પડતરકીમત જીવનની આંકી જીવવાની જિંદગી.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.