💙શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે તો દરેક માતા પિતા પોતાના બાળકીને સારુ શિક્ષણ મળી રહે એ માટે શાળાએ મૂકવા આવી રહ્યા છે. તો,આજે ધોરણ ૭ માં એક નવી છોકરીનું એડમિશન કરવા માટે એના પપ્પા આવ્યા હતા.
તો એના પપ્પાએ કહ્યું,"એડમિશન તો મળી જશે ને?
તો મેં કીધું, " હા,ચોક્કસ કેમ નહીં".
પણ એમની ભાષા થોડી ઉત્તર ગુજરાતી લાગી, એટલે મેં સહજ રીતે પૂછી લીધું, કે "તમે કઈ બાજુના છો?
તો એમણે કીધું કે, "હું બનાસકાંઠાનો છું અને અહીં ડ્રાઇવરમાં નોકરી કરું છું,પહેલા તો ત્યાં બનાસકાંઠામાં નોકરી કરતો હતો ત્યારે ત્યાં જ દીકરીઓ ભણતી હતી, પણ હવે અહીંયા મારું ટ્રાન્સફર બે મહિનાથી થયું છે તો મારે મારી દીકરીને અહીં આ શાળામાં પ્રવેશ અપાવો છે,
કચ્છનું વાતાવરણ થોડું અલગ પડે છે એટલે થોડી છોકરી હેબતાય છે. અહીં આ શાળામાં આવશે તો એને કંઈ તકલીફ તો નહીં પડે ને?
મેં કીધું,"એને જરાય કાઈ તકલીફ નહિ પડે અને હું પણ પોતે બનાસકાંઠાની છું."તો એ સાંભળી એમના મોઢા પર હરખ આવી ગયો અને
કહ્યું કે "સાચે તમે બનાસકાંઠાના છો?"
મેં કીધું "હા,બનાસકાંઠાની છું. તમે જરાય ચિંતા ના કરતા, હું અહીં 14 વર્ષથી નોકરી કરું છું અને બધી જ દીકરીઓ મારા માટે બહુ જ કિંમતી છે,તમે એનું જરાય ટેન્શન ના લેતા કે, એને ભણવાનું કેવું હશે?એને ફાવશે કે નહીં?એને નક્કી મારી સાથે ફાવશે હવે તમે જરાય ચિંતા ના કરતા."
" હા બેન એ તો તમે કીધું ને,એટલે મને પૂરો વિશ્વાસ છે અને એમાંય તમે બનાસકાંઠાના છો એટલે.
મારી છોકરીને ભાષામાં અહીંયા થોડો ફરક પડતો હતો, મને એમ હતું કે સ્કૂલમાં એને ભાષામાં તકલીફ પડશે સમજવામાં, પણ તમે જ ક્લાસ ટીચર છો ને?
મેં કીધું, "હા, હું જ ક્લાસ ટીચર છું તમારી છોકરીને વાગડની ભાષા પણ આવડી જશે અને બનાસકાંઠાની તો આવડે જ છે જરાય ચિંતા ના કરો."
"હા બેન, થેન્ક્યુ તમને મળીને મજા આવી અને તમે મારી દીકરીનું ધ્યાન રાખજો, તમને ક્યારેય પણ કંઈપણ કામ હોય તો ચોક્કસથી કહેજો હું બનાસકાંઠા બસમાં ઘરે આવું -જવું છું,તમારે કાંઈ લેવું મૂકવું હોય તો પણ તમે મને કહેજો."
મેં કીધું, " મારે કાંઈ જ કામ નથી,બસ તમારા ફુલને રોજ શાળાએ મુકજો. બધું આવી ગ્યું."💙
💙અલગ વાતાવરણમાં, અલગ જિલ્લામાં, પોતાની દીકરીને અજાણી જગ્યાએ ભણાવવા માટે તત્પર એક પિતા ચિંતા સાથે આવ્યા હતા. પણ ગયા હરખથી.
એ જોઈને આજનો દિવસ સુધરી ગ્યો.
દુનિયા એક વિશ્વાસ પર ચાલે છે.
જે આજે અનુભવ્યું.💙
શાળાનું મકાન ઈંટ, રેતી, સિમેન્ટથી બની તો જાય છે. પણ શાળા બાળકો, શિક્ષક, અને પાલક માતા પિતા દરેકના એકબીજાના સહકારથી જીવંત બને છે. પાલક માતા પિતા વિશ્વાસથી પોતાનું ફૂલ શિક્ષકને સોંપે છે,જેનો ઉછેર શિક્ષકે એક માળીની જેમ કરવો જ રહ્યો. 😊