"બારમાં ધોરણની વાત. સ્કૂલના અને ટ્યુશનના એસાઇમેન્ટ આપવાના કે લેવાના બહાને અંકિતને મળવાનું થતું. અંકિત એક નંબરનો વાતોડિયો. વાતો ને વાતોમાં ઘણીવાર તો એ શું આપવા આવ્યો છે કે શું લેવા એ પણ ભૂલી જાય. મને એની વાતો સાંભળવી ગમતી. ટ્યુશનની બહાર હોય કે સ્કૂલની બહાર અમે કલાકો સુધી ઊભા રહેતા. ધીરે ધીરે આ દોસ્તી પ્રેમમાં પરિણમી. કોલેજ પૂરી થતા પહેલાં તો અમે પ્રેમનો એકરાર પણ કરી નાખેલો. મેં મારા મોટાભાઈ સમીરને આ વાતની જાણ કરેલી. મારી દરેક વાતમાં મારી પડખે ઉભા રહેતા મોટાભાઈએ પહેલા તો અંકિત વિશે બધી તપાસ કરી. અને પછી કંઈ પણ કારણ આપ્યા વગર કોણ જાણે શું થયું કે એમણે આ સંબંધનો વિરોધ કર્યો. એમણે રક્ષાબંધન વગર મારી પાસે અંકિતને રાખડી બંધાવી દીધી. " મેં મારા દિલમાં અંકિતને સ્થાન આપેલું છે. હું એને રાખડી કેવી રીતે બાંધી શકું ? પણ મોટાભાઈ એ મારી એક ના માની અને એ જ દિવસે અંકિત સાથેના મારા સંબંધો પર પૂર્ણવિરામ લાગી ગયું . ભણવાનું પૂરું થયા પછી અંકિત લંડનની છોકરી સાથે લગ્ન કરીને લંડન ચાલ્યો ગયો અને મને જ જો. પહેલો પ્રેમ મારાંથી ભૂલાતો જ નથી. ખેર, હવે તો આ વાતને ચાર વર્ષ થઈ ગયાં છે. અંકિત આવતા મહિને અમદાવાદ આવવાનો છે. ખબર નહી કેમ પણ મને મળવા માંગે છે. એણે મને એનો લેટેસ્ટ ફોટો પણ મોકલ્યો છે." સલોનીએ આ ફોટો પોતાની નવી નવી બહેનપણી બનેલી શૈવીને બતાવ્યો. પોતાના સગા ભાઈનો ફોટો જોઈને શૈવી ડધાઈ ગઈ અને મનોમન એટલું જ બોલી , " કાશ પોતે પણ પોતાના અહમને બાજુ પર મૂકીને સમીરે દિલથી મૂકેલો લગ્નનો પ્રસ્તાવ સ્વીકારી લીધો હોત તો કદાચ પરિસ્થિતિ કંઈ અલગ જ હોત "