વિચારું છું કાલે એક રજા લઈ લઉ.....
થોડીક આળસ ની પણ મજા લઈ લઉ...
પણ શરુઆત ક્યાંથી કરુ?છે થોડીક જવાબદારીઓ એને ક્યાં મુકું?
આંખ ખોલુ ને મને પણ ''ચા" હાથ માં મળે ....
શું મને પણ મારા સપનામાંથી અચાનક જાગવાની મજા મળે?
ટેબલ પર બેસું ને ગરમ નાસ્તો મળે...
શું મને પણ "મીઠું જરા ઓછું છે" કહેવાનો મોકો મળે?
લંચ ના બનાવાનો બ્રેક મળે.....
શું મને પણ ખરેખર લંચ બ્રેક માણવાનો આનંદ મળે ?
કામ કરતી હોઉં ને મને પણ કોઇ પૂછવા આવે...
"ગરમા ગરમ ચા પીશ?" ના જવાબ આપવાની તક મળે?
સાંજનું જમવાનું કોઇ મને પૂછી ને બનાવે.....
શું મને પણ મનગમતું જમવાનો અવસર મળે?
આવી એક રજા મળે..... તો શું મને માણવી ગમે?
હું રોજ વિચારું આજે રજા લઉં.....
ને ના કાલે લઈશ.... ને ફરી કામે લાગી જાઉં...
જ્યારે કામ કરતા થાક લાગે ત્યારે.....
શું મને પણ "લાવ પગ દબાવી આપું" એ સાંભળવા નો મોકો મળે?
જયારે મને વાગ્યુ હોય ત્યારે....
શું મને પણ "થોડો ટાઇમ તમે જાતે કામ કરીલો" એવુ કહેવાનો હક મળે?
જ્યારે મને ભણવાની ઇચ્છા થાય ત્યારે....
શું મને "તું ભણવામાં ધ્યાન આપ" બધાને અમે સંભાળી લઈશું. એવું કહેનાર કોઈ મળે?