આજે પૃથ્વી દિવસ...
એક અભ્યાસ મુજબ, દોઢ બે અબજ વર્ષ પહેલાં પૃથ્વી નિર્જીવ હતી...ખાલી ખાલી તંબુ ખાલી ખાલી ખુરશી જેવી....પચાસેક કરોડ વર્ષ પહેલાં કોરોનાના વડદાદાઓ પ્રગટ થયા હશે, જે અત્યારે તેમનો વારસો માંગે છે. વીસેક કરોડ વર્ષ પહેલાં કરોડરજ્જુ સાથે જીવોની એન્ટ્રી થઈ, પણ આપણા મનુષ્યનું અસ્તિત્વ છેલ્લા દશ લાખ વર્ષથી નદી કિનારાઓ પર દેખાતું થયું, એમાં પણ પાંચ લાખ વર્ષ તો અસ્તિત્વ ટકાવવા સંઘર્ષ કરતો રહ્યો. છેલ્લા પાંચ લાખ વર્ષમાં પ્રગતિ કરવાની શરૂઆત કરી અને અગ્નિને વશમાં રાખતા શીખ્યો, શિકાર અને સલામતી માટે હથિયારની જરૂરિયાત સમજ્યો હશે. કુદરતથી માંડી આસપાસના ફેરફારો આશ્ચર્યજનક લાગતા તેમાં ભગવાન શોધ્યા હશે...
આપણે તો આપણા ભાગની પૃથ્વીની વાત કરવી હતી...એવું માનવામાં આવે છે ભારતનો દક્ષિણ ભાગ આફ્રિકા સાથે જોડાયેલો હતો, આપણે એકલા ન હતાં, ઓસ્ટ્રેલિયા અને લેટિન અમેરિકા પણ આપણને કંપની આપતું હતું. ઉત્તર ભારત એશિયા સાથે જોડાયેલું હતું. ઉત્તર ભારતના લોરેશિયા અને દક્ષિણ ભારતના ગોંડવાના વચ્ચે ટેથીસ નામનો સમુદ્ર હતો. કોઈ ચમત્કાર થયો, આપણે ઓસ્ટ્રેલિયા અને લેટિન અમેરિકા છોડીને ઉત્તર તરફ આગળ વધ્યા. કાશ, ઓસ્ટ્રેલિયા આપણી જોડે હોત તો સ્ટુડન્ટ વિઝાની જફા ન હોત. લેટિન અમેરિકા સાથે હોત તો સુંદર સ્ત્રી અંગે કવિઓ કંઈ અલગ જ લખતા હોત, વારે તહેવારે વેનેઝુએલા આંટા મારતા હોત...હશે આપણે હિમાલય બનાવવા તરફ ગતિ કરી. ઉત્તર અને દક્ષિણ ભારતે ટેથીસ સમુદ્ર ઉલેચી નાખ્યો અને સમુદ્ર ભૂમિ પર જ હિમાલય પણ બનાવી દીધો...આ ટેથીસ સમુદ્ર તે સમયે આખા વિશ્વ પર છવાયેલો હતો. હમ ઉસ દેશ કે વાસી હૈ, જીસ દેશને સમુદ્ર કો ભી ગાયબ કર દીયા...
સૌરાષ્ટ્રના રજવાડા તો પછી જોડાયા પણ ધરતી લાખો વર્ષ પહેલા જોડાઈ. યુવાન હિમાલય કરતાં આપણો પાવાગઢ અને જૂનાગઢ વધુ સિનિયર છે.
છેલ્લા દોઢ બે લાખ વર્ષથી નવી બનેલી ધરતી પર માનવ અસ્તિત્વના પુરાવા મળે છે. કાંગારુ અને ડાયનોસોર હોવાની સંભાવના ખરી..
અંતે કોરોના યુગ આવ્યો, હજી વારંવાર આવ્યા કરે છે, સ્વરૂપ બદલીને... પૃથ્વીને ઘણા સમયથી ફરીથી સજવું હશે, તૈયાર થવું હશે...નવા રુપરંગ સાથે... જે ન સમજાય એને ભગવાન બનાવવાની પરંપરા યુગોથી ચલાવીએ છીએ. કોરોના યુગ પણ સમજાતો નથી, એટલું જ સમજાય છે કે પૃથ્વી દિવસને બદલે આજકાલ પૃથ્વી મહીનાઓની ઉજવણી ચાલી રહી છે... થોડા સમય માટે માલિકી બદલાઈ હતી, પશુ પંખીઓએ પૃથ્વી ભોગવી અને માણસજાતે કર્મોના ફળ... છતાં સુધારાના નામે શૂન્ય...
આ તો આપણી માન્યતા, "સોરી" કહી દો એટલે પત્યું...બસ , વાત પુરી.... મેં સોરી કીધું ને?...
પણ.....
માફ કરવું કે નહિં એ પૃથ્વીનો અબાધિત અધિકાર છે.....
લેખન અને સંકલન
Deval Shastri🌹