બા રડે છે...
રસોડામાં વહુથી વાસણ પડે છે,
રુમમાં બહેરા કાને ખણકાટ આથડે છે,
જૂઓ ને બા રડે છે.
દિકરો વહુની હા માં હા ભરે છે,
મનમાં ને મનમાં ખટકે છે,
જૂઓ ને બા રડે છે.
બળેલી રોટલી,મીઠા વગરનું શાક,
દાંત વિના ગળે છે,
જૂઓ ને બા રડે છે.
પૌત્ર, પૌત્રી મોબાઇલે વ્યસ્ત છે,
હાલરડાં ડૂમે ચડે છે,
જૂઓ ને બા રડે છે.
છબીમાં બાપૂજી મરક મરક હસે છે,
જોઈને બા છળે છે,
જૂઓ ને બા રડે છે.
શનિ રવિ બધા નવી હોટલમાં જમે છે,
બા બપોરનું વાસી જમે છે
જૂઓ ને બા રડે છે.
ચાલવાની મનાઈ છે,ખાટલો કઠે છે,
મર્યા પહેલાં બા કેટલું મરે છે,
જૂઓ ને બા રડે છે.
ડૂમા,ડુસકા,પીડા હવે જીવન છે,
કેટકેટલી ગોળીઓ ગળે છે,
જૂઓ ને બા રડે છે.
ભૂતકાળ સંભારીને સૌને યાદ કરે છે,
એમની લવારી ના કોઈ સાંભળે છે,
જૂઓ ને બા રડે છે.
આપશોના લાંબુ આયુષ્ય,પ્રાર્થના કરે છે,
કંટાળીને બા મોતને આવ્હાન કરે છે,
જૂઓ ને બા રડે છે.
નારણ મકવાણા
૨૦/૪/૨૦૧૯