એમને સંભારવાથી બોલ, શું હાંસલ થયું?
ઘા ઉપર ઘણ મારવાથી બોલ, શું હાંસલ થયું?
માર્ગનો કૂવો છું કે જેમાં ટીપું યે જળ નથી
આંખ એમાં માંડવાથી બોલ, શું હાંસલ થયું?
ના વહેલા પાણીએ લોહીનું પણ પાણી કર્યું
આંસુઓ સંતાડવાથી બોલ, શું હાંસલ થયું?
એક રણ સૂકી નદીને પ્રશ્ન આ પૂછ્યા કરે
પ્રેમમાં છલકી જવાથી બોલ, શું હાંસલ થયું?
આશકા કે આશિકીની : આગ પાવક હોય છે
આગ અમથી ઠારવાથી બોલ, શું હાંસલ થયું?