ડીજે ના શોર-શરાબા વચ્ચે ફટાણું ક્યાં ગયું?
દહેજનો જો ઘટ્યો વ્યાપ તો આણું ક્યાં ગયું!
આજકાલ બુફે-પાર્ટીની વઘી છે બોલબાલા,
પંગતમાં બેસીને જમતા એ ખાણું ક્યાં ગયું?
સહુ મળીને મજાથી હરતાં ફરતાં થતી ખરીદી,
ઓનલાઈનની દુનિયામાં એ હટાણું ક્યાં ગયું?
આરો પ્લાન્ટ લગાવી આમંત્રણ આપ્યું બિમારીને,
માટીના ઠંડા માટલે શોભતું પાણિયારું ક્યાં ગયું?
એક બટન દબાવતાં મળી જાય હરેક ઉત્તર,
ગુગલના સર્ચિંગમાં ઓલું ઉખાણું ક્યાં ગયું?
મોબાઇલ મિત્રો વધ્યા ને રીયલ થયા ઓછા,
સાદે આવી ન જોતા એ ટાણું-કટાણું ક્યાં ગયું?
વૃક્ષો કાપી કાપી કર્યા ઊભા કોંક્રીટના જંગલ,
પશુ-પક્ષીઓને ટહેલવાનું એ ઠેકાણું ક્યાં ગયું?
ફેસ્ટિવલ પણ ખોઇ રહ્યા અસલિયત "વ્યોમ"
લાકડાની થાય હોળી તો એ છાણું ક્યાં ગયું?
...© વિનોદ.મો.સોલંકી"વ્યોમ"
GETCO (GEB)
મુ. રાપર, હાલ - આદિપુર (કચ્છ)