"વિશ્વ દિન કવિતા દિવસની શુભેચ્છાઓ"
ઊગતા સૂર્યના અંજવાળે ઊભરે કવિતા;
ઢળતી સાંજના અંધકારે ઊભરે કવિતા;
ખીલતા વસંતની બહારે ઊભરે કવિતા;
ઝૂલતા ફાગણના સથવારે ઊભરે કવિતા;
જોવું એક લતાને વૃક્ષને લેતાં આલિંગનમાં,
આ નિસ્વાર્થ પ્રેમના સહારે ઊભરે કવિતા;
પહાડથી પડતું ઝરણું બને છે એક સરિતા,
વહેતી સરિતાના પ્રવાહે ઊભરે કવિતા;
આતુર છે સરિતા મળવા એના પ્રીતમને,
એ સમંદરના મિઠા ઇંતેજારે ઊભરે કવિતા;
મંદ મંદ વાતો સમીર જ્યાં લટ કોઇ લહેરાવે,
ત્યાં લહેરાતી લટના અંદાજે ઊભરે કવિતા;
કામણગારા કેશ જેવાં વાદળ જ્યારે વરસે,
એ ઝરમર વરસતા વરસાદે ઊભરે કવિતા;
વરસાદની બૂંદે બૂંદે તૃપ્ત થાય છે ધરતી,
"વ્યોમ" ના કરાતા આભારે ઊભરે કવિતા;
...© વિનોદ.મો.સોલંકી"વ્યોમ"
GETCO (GEB)
મુ. રાપર, હાલ - આદિપુર