જ્યારે કોઈ સંબંધ આપણાં અસ્તિત્વ સાથે વણાઈ જાય છે, ને ત્યારે જ સાચું સહ અસ્તિત્વ સર્જાય છે. જાત જોડે જોડેલું "સ્વ" ની જાત્રા કરાવે તે એ નિર્વિવાદ હકીકત છે .પોતાનો પડઘો તો જ સાંભળી શકાય જ્યારે આપણી જાત આપણાં અસ્તિત્વ જોડે જોડાયેલ તત્વ સાથે સંવાદ કરી શકે.
ઉપરછલ્લું ઊગે નહીં ક્યારેય...
તે તો ભીત પર કરેલ રંગરોગાન લાગે...
હૃદય સોંસરવું વાગે જ્યારે...
અસ્તિત્વમાં જડાયેલ ઉખડતું લાગે...
"જે પોષતું તે મારતું" તે કહેવત કંઈ એમનેમ નથી બની. જ્યાં તમે દરેક ક્ષણ ઉજવી શકો, તે અસ્તિત્વની લીલી પરિક્રમા કરતાં સંબંધો આપણને જીવાડે છે. અને આપણામાં જીવંતતાનું મૃત્યુ કરવા પણ તે જ કારણભૂત બનતા હોય છે. કારણ કે જે વ્યક્તિ, જે સંબંધ આપણાં અસ્તિત્વ, જાત સાથે જોડાયેલ હોય છે તેના પર આપણી જાત કરતાં વધુ વિશ્વાસ ભરોસો કરતા હોઈએ છે. જ્યારે ભીંતમાં જડેલ ખીલો ઉખાડીએ તો એ ભીંતમાં કાયમી ઘાના નિશાન ચોક્કસ રહી જાય છે. તે જ રીતે આપણી જાત પરનાં વિશ્વાસ ,આત્મવિશ્વાસ આત્મસન્માન પર ચોક્કસ કાયમી અસર થાય છે. જ્યારે સહઅસ્તિત્વ વિખરાય છે. જ્યારે તે સંબંધમાં વિશ્વાસ નો બંધ તૂટે છે
ઝાડ પર કેરીઓ છે તે જોઈને જાણી શકાય. રૂમમાં ઠંડક છે તે અનુભવ કરીને જાણી શકાય. પણ આપણાં અસ્તિત્વ સાથે જડાયેલ ભાવતત્વ ને તો અનુભૂતિથી જ જાણી શકાય. એ અનુભૂતિ આપણામાં સતત સત્વનો ઉમેરો કરે છે. સતત જીવનને જોવાનો સુંદર હકારાત્મક અભિગમ કેળવતા શીખવાડે છે. જો કોઈ સંબંધથી આપણા વ્યક્તિત્વમાં કંઈક પોઝિટિવ સતત ઉમેરાતું હોય તો જ સાત્વિકતા થી સભર છે એમ કહી શકાય.
કંઈ કેટલાય આવરણો ભેદીને..
અસ્તિત્વને પામજે તું...
વિખુટી પડેલ જાતને....
કંઈક એવી રીતે જોડજે તું..
સંવેદનશીલ હૃદયથી
પથ્થર ભલે ન તૂટે..
તૂટક તૂટક રેખામાં પણ...
સાચું શાશ્વત કંઈક આકારજે તું..
મિત્તલ પટેલ
"પરિભાષા"