નથી તરવું કે તણાવું મારે કેવળ વહેતા રહેવું,
મૌન રહીને મારે જે પણ કહેવું છે તે કહેવું.
ભાષાનો માનમલાજો રાખી
ભાવ હવામાં મૂકવો,
વગર ડાંડીએ બ્રહ્માંડ જગાવા
ઢોલને એમ ઢબૂકવો,
હળવેથી અંતર ઢોળીને કહેવું છે તે કહેવું!
નથી તરવું કે તણાવું મારે કેવળ વહેતા રહેવુ!
સુગંધ થઈ વેરાઈ જવામાં
જોઉં હું મારો લાભ,
શૂન્ય થઇ હું સંકોચાઉં
તો યે અડકું આભ
દુ:ખ તો જાણે સમજ્યા મારે તો સુખને સહેવું
નથી તરવું કે તણાવું મારે કેવળ વહેતા રહેવું!!!
#વિનોદ_ગાંધી