કોઈ કહો મને કે એને ક્યા વેણે બાંધુ?
તોડવા નથી લાગણીના તાર, કેમ સાંધુ?
રહેવું મથુરા એને, મને એકલી મેલીને,
કહો,એના વગર બાકીનું જીવતર કેમ છાંડુ?
એની પાસે વાંસળી મધુરું હથિયાર છે તો શું?
ઘાયલ કરી છે મુને તો હકનો ક્યો દાવો માંડુ!
ફરિયાદ તો મારી પાસે અઢળક છે કાન્હા,
ઊંઘમાં પણ તારા સપનાનું કાજળ આંજુ !
નક્કી છે કે અક્ષના બાણે તને કાયમ વિંધીશ,
નથી પરવા ! ભલે અસ્તિત્વની સીમા હું લાંઘુ !
શિતલ માલાણી "સહજ"
૩/૧/૨૦૨૨
જામનગર..
-શિતલ માલાણી