સમજણનો દીવો પ્રગટી જાય એટલે બેડોપાર.
ગેરસમજો મનની બધી દૂર થાય એટલે બેડોપાર.
જોઈ લઈશની ભાષા આજસુધી બોલતા રહ્યા,
સમજી લઈશ એમ હવે બોલાય એટલે બેડોપાર.
સાથ, સહકાર, ટેકો, બાંય ઝાલવી જરુરત એની,
ના કદીએ કોઈના અવગુણ દેખાય એટલે બેડોપાર.
ખૂબ કરી દુનિયાદારી વ્યવહારમાં એ ભૂલવી ઘટે,
નવેસરથી હવે પ્રમાણિક ડગ ભરાય એટલે બેડોપાર.
ભેદભાવે માનવ માનવ વચ્ચે દિવાલ ચણી દીધીને,
હવે જનેજનમા જનાર્દન પરખાય એટલે બેડોપાર.
ચૈતન્ય જોષી ' દીપક ' પોરબંદર.