ઘર સંગ દિમાગ રાખીએ સાફ નવા વર્ષમાં;
ભૂલી નફરત સૌને કરીએ માફ નવા વર્ષમાં;
છોડીને સુખ દુઃખ ફેલાવીએ હર્ષ જીવનમાં,
આ દિલમાં હુંફાળો ભરીએ તાપ નવા વર્ષમાં;
પોતાની રીતે તો બહુ મુલવ્યા છે બીજાને,
હવે ખૂદનો પણ કાઢીએ માપ નવા વર્ષમાં;
મળ્યો છે માનવ જન્મ લખ ચોર્યાસી ફેરામાં,
ચાલો થોડા ઈશ્વરના કરીએ જાપ નવા વર્ષમાં;
જાવાનું છે જ્યારે દરેકે ખાલી હાથે "વ્યોમ"
છોડીને ખૂબસૂરત જઈએ છાપ નવા વર્ષમાં;
...© વિનોદ.મો.સોલંકી"વ્યોમ"
GETCO (GEB)
મુ. આદિપુર