ચેત મછંદર !
ના કોઈ બારું, ના કોઇ બંદર,
ચેત મછંદર,
આપે તરવો આપ-સમંદર,
ચેત મછંદર !
નિરખે તું તે તો છે નિંદર,
ચેત મછંદર,
ચેતવ ધૂણો ધીખી અંદર,
ચેત મછંદર !
કામરૂપણી દુનિયા દાખે રૂપ અપારા,
સુપના લગ લાગે અતિ સુંદર,
ચેત મછંદર !
સૂન શિખરની આગે આગે શિખર આપણું,
છોડ છટકણા કાળની કંદર,
ચેત મછંદર !
સાંસ અરૂ ઉસાંસ ચલાકર દેખો આગે,
અહાલેક ! આયા જોગંદર,
ચેત મછંદર !
દેખ દિખાવા સબ ઢરતા હે ધૂરકી ઢેરી,
ઢરતા સૂરજ, ઢરતા ચંદર,
ચેત મછંદર !
ચડો ચાખડી, પવનપાવડી, જયગિરનારી,
ક્યા હે મેરુ ક્યા હે મંદર,
ચેત મછંદર !
રાજેન્દ્ર શુક્લ