પંદર દિવસ પહેલાં જ હું જ્યારે સ્કૂલેથી પાછી આવતી હતી ત્યારે રસ્તામાં એક છોકરી અને એની સાથે બે નાનાં નાનાં બાળકો પોતાની કલાનાં કરતબ બતાવી રહ્યા હતા, તે પણ રસ્તા પર. માત્ર એટલાં માટે તેઓ આવું કરી રહ્યાં હતાં કે જેથી પોતાને માટે ખાવાનું લઈ શકે. શું આને બાળમજૂરી ગણાય? મારા મતે તો આ સ્વાભિમાન છે. ભીખ માંગીને ખાવું કે પછી મફતમાં મળે એ ખાઈ લેવું એનાં કરતાં થોડી કલાનું પ્રદર્શન કરીને કમાઈ લેવું અને પછી ખાવું એ વધુ યોગ્ય છે.
આપણે વખતોવખત સમાચાર વાંચતા કે સાંભળતાં હોઈએ છીએ કે ચાની લારી પરથી ત્રણ બાલમજુરોને છોડાવવામાં આવ્યાં, અગરબત્તીનાં કે ફટાકડાના કારખાનાંમાંથી બાલમજુરોને છોડાવવામાં આવ્યાં. એક નટ કલાકાર પોતાનાં પરિવાર સાથે ખેલ બતાવી રહ્યો હતો અને એનાં પર પોતાનાં જ બાળકો પાસે બાળમજૂરી કરાવવાનો આરોપ લાગ્યો. શું માણસ સ્વમાનભેર પોતાનાં કુટુંબનું ભરણપોષણ પણ ન કરી શકે?
બીજી બાજુ જુઓ તો ઢગલાબંધ રિયાલિટી શોઝ ટીવી ચેનલો પર આવે છે. આમાં ત્રણ વર્ષથી લઈને પંદર વર્ષ સુધીનાં બાળકો ભાગ લેતાં હોય છે. શું આ લોકો બાળમજૂરો નથી? રિયાલિટી શોનાં નામ પર કેટલાં બધાં એપિસોડ સુધી એમની પાસે ફ્રીમાં જ કાર્યક્રમો કરાવવામાં આવે છે. મહિનાઓ સુધી આ કાર્યક્રમ ચાલે છે. બાળકો ભણતર બાજુએ મૂકીને શોની તૈયારી કરે છે. કેટલાંય એપિસોડ માત્ર એમ જ ચાલે છે, કોઈ પણ જાતની કોમ્પિટિશન વિના! નવાઈની વાત તો એ છે કે આટલા બધા મહિનાઓ સુધી કાર્યક્રમ ચાલે છે, છતાં પણ નિર્ણય તો પબ્લિક વોટિંગ આધારે જ થાય છે, જેમાં મોટા ભાગે અન્યાય જ થયો હોય છે. તો આટલાં બધાં રૂપિયા આપીને કાર્યક્રમમાં જે જજ બેસે છે તે શું કામનાં? તો શું આ રીતે આખા દેશનું મનોરંજન કરતાં બાળકો સેલિબ્રિટી થઈ ગયાં અને પેટિયું રળતાં બાળકો મજૂર?
જેની પાસે પહેલેથી જ બધી સગવડો છે, જે અન્ય લોકો પાસે ટ્રેનિંગ લઈ ચૂક્યાં છે, એવા બાળકોને આ કાર્યક્રમોમાં પસંદ કરવામાં આવે છે, એકાદ બે અપવાદો છોડીને. એનાં કરતાં જે બાળકોને ખરેખર આ બધાંની જરુર છે એમને માટે પ્રોગ્રામ રાખતાં હોય તો? રસ્તા ઉપર પેટિયું રળવા મહેનત કરી રહેલા બાળકોને એમની કલા પ્રદર્શિત કરવાનો મોકો ન આપી શકાય? અન્ય કોઈ સ્થળે મજૂરી કરતાં બાળકોને બાળાશ્રમ કે અન્ય કોઈ સ્થળે મૂકવા પહેલાં એ બાળકને તો પૂછો કે એ શું ઈચ્છે છે? હંમેશા આઝાદ રહીને પોતાની મહેનતથી રોજીરોટી કમાવનાર બાળક આમ સતત કોઈની નજર હેઠળ રહેવાનું ક્યારેય પસંદ નહીં કરે. આથી જ અનાથાશ્રમ કે અન્ય સ્થળોએથી આવાં બાળકો ભાગી જવાનાં કિસ્સાઓ સાંભળવામાં આવે છે.
આ તે કેવો ન્યાય કે રિયાલિટી શોમાં કામ કરતું બાળક સેલિબ્રિટી અને રિયલ લાઈફમાં કામ કરતું બાળક બાળમજૂર?
શ્રીમતી સ્નેહલ રાજન જાની.