શિક્ષક દિન નિમિતે, શિક્ષક વંદના.મારી જીવન સહચરિ શિક્ષક છે. જે મારી સાહિત્ય રચનામાં માર્ગદર્શન કરે છે તે શિક્ષિકા ને નમસ્કાર.
....શિક્ષક વંદના....
જીવનની ત્રિજ્યામાં વણાય ગયેલ વ્યક્તિત્વ છે,
કલમના ક થી જ્ઞાનના જ્ઞ સુધી પહોંચાડનાર શિક્ષક છે.
મમતાનો મ ને પ્રેમનો પ શીખવતો એ પિતા છે,
પૂર્ણ પરમેશ્વર જેને ગુરૂ માને, તે પરમ શિક્ષક છે.
પંચત્વનું પુતળુ નથી, નક્કર અનુભવનો નિચોડ છે,
તિમિરમાં પ્રકાશિત કરે, તે જગમગતી જ્યોત શિક્ષક છે.
જેને ખોળેથી દુર દુર ઉડીને, ગગને ઊડાન ભરી છે,
આકાશને આંબવા, મન, બુધ્ધિ, શક્તિ અર્પે તે શિક્ષક છે.
જેના ભયથી તાબે થઇએ, ને તેના સ્નેહથી વશ થઇએ છે,
કણ તો સૌ ઉગાડે, પણ જે ક્ષણ ઉગાડે તેજ શિક્ષક છે.
'સ્વજન' જેના હાથમાં પ્રલય અને નિર્માણ, બન્ને રમે છે,
તે સાધારણ નહી એક મહાન, માર્ગદર્શક શિક્ષક છે.
યોગેશભાઇ 'સ્વજન'