આ વાર્તા કોઇપણ પ્રકારે ઓડિયો વિઝ્યુલ કે અન્ય માધ્યમમાં ઉપયોગ કરતાં પહેલા લેખકની અનુમતિ લેવી આવશ્યક છે. જો એમ કરવામા નહીં આવે તો ઉપયોગ કર્તા સામે યોગ્ય પગલાં લેવામાં આવશે. આભાર.
SWA MEMBERSHIP NO : 32928
છુટેલા સંબંધો
_____________
ઘણા દિવસથી ઉકળાટ હતો. આકાશ ગોરંભાયેલું હતું . વાદળો વરસ્યા વગર વિખેરાઈ જતા. નીલય એના રાઈટિંગ ટેબલ પાસે બેઠો બારીની બહાર લીલોતરી જોઈ રહ્યો હતો. રાઈટિંગ ટેબલ પર પેન ને પેડ પડ્યા હતા. નિલય કંઈક લખવા જ બેઠો હતો. તેણે આદુવાળી મસ્ત ગરમ ચાની ચૂસકી મારી અને લખવાનું શરૂ કર્યું. બે પંક્તિ લખી
" છુટેલા સંબંધ બ્લેક કોફી જેવા હોય છે
એમા લીંબુ નાખો કે મધ
પણ
એની કડવાશ જતી નથી."
પેન રોકાઈ ને એણે કાગળનો ડૂચો મારી dustbin માં નાખ્યો. ત્યાં ઓલરેડી એક કાગળનો ડૂચો ડસ્ટબીન પાસે જમીન પર પહેલેથી જ પડેલો હતો.
ફરી અણે લખવાનું શરૂ કર્યું.
"છુટેલા સંબંધ સોફ્ટડ્રીંકની બોટલ જેવા હોય છે
ગમે તેટલી વાર ઢાંકણું ખોલો
પણ
પહેલા જેવો ઉભરો આવતો નથી."
ફરી અટકી ગયો ને કાગળનો ડૂચો કરી કાગળ ડસ્ટબીનમાં નાખ્યો.
ગોરંભાયેલું આકાશ ને ગોરંભાયેલો નિલય બંને વરસવા માંગતા હતા. ફરી વીજળી ચમકી અને મગજમાં ચમકારો થતાં શ્રાવણની ઝરમર ઝરમર વર્ષા શરુ થઈ.
નિલયે ફરી કંઇક પેપર પર ઉતાર્યું .
"વહેતા પાણી જેવા હોય જો સંબંધ
ગમે ત્યારે પીવો
પણ
તરસ છીપાવે ને તાજગી આપે."
ને પાછો અટકી ગયો ને પાછું એ જ કાગળનો ડુચો કર્યો અને dustbin ભેગો કર્યો.
કંઇ મજા નહોતી પડી રહી એ થોડી વાર એમ જ બેસી રહ્યો, બારીની બહાર વરસતા વરસાદને જોતો.
આમને આમ કલાક નીકળી ગયો ત્યાં મૉબ આવ્યો નામ બ્લીંક થયું " નિયતિ " એને ભાન આવ્યું કે એ કંઈક લખવા બેઠો હતો. એણે મૉબ ઉપાડ્યો સામે છેડેથી નિયતિ નો અવાજ આવ્યો, કેમ છે તું?
નીલયે કહ્યું, મજામાં.
નિયતિએ કહ્યું, હું અમદાવાદ આવી છું મળીએ?
નિલયે કહ્યું, ના આજે મેળ નહી પડે. હું કામમાં છું ફરી ક્યારેક.
થોડી ઘણી ઔપચારિક વાત થઈ અને ફોન મુકાઈ ગયો.
નિલયે જોયું તો ચા ઠંડી થઈ ગઈ હતી એ ઊભો થયો કિચનમાં ગયો. એ જ "ચા"ને ફરી ગરમ કરી અને ફરી પાછો કપ લઈ રાઈટિંગ ટેબલ પર આવી બેસી ગયો કંઈક લખવા.
ચાની ચૂસકી મારી ને એણે સૌથી પહેલા ફેંકેલા dustbin ના કાગળ તરફ જોયું.
સ્હેજ હસ્યો.
કાગળ હાથમાં લીધો અને એમાં લખેલું વાંચ્યું.
" છુટેલા સંબંધ છુટી ગયેલી ચા જેવા હોય છે
એને ફરી ગરમ કરી પી શકાય
પણ
એમા પહેલા જેવો ટેસ્ટ ન હોય."
કેટલું સાચું હતું.
- જીગર બુંદેલા