થયાં બુદ્બુદા માત્ર પળ પર થયાં
ન ડાઘા કદીયે કમળ પર થયાં !
અખતરાઓ ક્યારેક બળ પર થયાં
પ્રયોગો ઘણીવાર કળ પર થયાં !
તરાપાએ હંમેશ લિસોટા કર્યા
ઉઝરડા ન ક્યારેય જળ પર થયાં!
ઊભાં રહીને વૃક્ષો સફળ થઈ ગયાં
પ્રહારો તો હંમેશ ફળ પર થયાં !
સફળતા મળી તો મળ્યું સત્ય એ
કે ,નિષ્ફળ પ્રયોગો સફળ પર થયાં!
દલીલો થઈ ખૂબ શ્રદ્ધા ઉપર;
ને શંકાના દાવા શ્રીફળ પર થયાં!
----------- ભરત ભટ્ટ -----------