બાગમાં ટહુકો
બાગમાં ટહુકો છે ચોગમ હજુ સુધી,
વાયરે વાગે છે પડઘમ હજુ સુધી.
કેટલો કાંટાથી ઘાયલ ચમન હશે,
ચોપડે ફૂલોનું મરહમ હજુ સુધી.
વાયરો સુગંધની છે તલાશમાં,
બાગના ફૂલો છે મોઘમ હજુ સુધી.
દઈ જશે જોબન કળીને પતંગિયું,
પણ ચમનમાં ભીડ ધરખમ હજુ સુધી.
લઇ વ્યથાઓ કઈ ગલીમાં જવું હવે,
હર ગલીમાં એજ માતમ હજુ સુધી.
મંથન ડીસાકર