હોઠ, હૈયું, હાથને પણ બાળવાના છે,
લ્યો, હવે લોહીમાં વિરડા ગાળવાના છે.
ક્યાકથી સગપણ કેરા સાંઠીકડા લાવો,
આપણે તો સ્મરણોને ઉકાળવાના છે.
વાદળો સુક્કા નયનના કાચલા છે દોસ્ત,
આંખે દરિયા આંસુઓના ખાળવાના છે.
તણખલાઓ ફડફડે છે શાંતિની કૂખે,
હસ્તરેખામાં કબુતર પાળવાના છે.
ને ધકેલો ક્ષણને અંધારાની ખાઈમાં,
બટકેલા આ શ્ચાસને ઉજાળવાના છે.
શૈલેષ પંડ્યા