તારું કશું ન હોય તો છોડીને આવ તું,
તારું જ બધું હોય તો છોડી બતાવ તું.
અજવાળું જેના ઓરડે તારા જ નામનું,
હું એ જ ઘર છું એ જ ભલેને ન આવ તું.
પહેર્યું છે એય તું જ છે ઓઢયું છે એય તું,
મારો દરેક શબ્દ તું મારો સ્વભાવ તું.
સાકરની જેમ ઓગળી જઈશ હું ય પણ,
છલકાતો કટોરો ભરીને મોકલાવ તું.
'મિસ્કીન' સાત દરિયા કરી પાર એ મળે,
એ રેખા હથેળીમાં નથી તો પડાવ તું.
- રાજેશ વ્યાસ 'મિસ્કીન'
(છોડીને આવ તું ... ,પૃ . 1)