*ગઝલ*
આવતી જાતી હવામાં તાજગી તાજી હતી,
યાદ મેં તારી હજી ત્યાં સાચવી રાખી હતી.
જોઇ મુખ તારું ધરા પણ ગીત ગાતી પ્રેમનાં,
તું છે રાણી રૂપની એ ધારણા સાચી હતી.
શ્રાવણીયા જળ સમી તું લાગે મીઠી વીરડી,
સાદગીના કારણે તું ધ્યાનમાં આવી હતી.
રાતની ચાળી કરે છે આંખતારી રાતડી,
ગાલમાં તારાં નિશાની લાલ એ શાની હતી?
ચાંદલો ઝગમગ ચમકતો રૂપ લઇને ચાંદનું,
વીજળીની જેમ તારી ચાલ પણ વાંકી હતી.
*કાજલ કાંજિયા' ફિઝા'*