*છંદ : હરિગીત*
કેમે કરી ભૂલું સખીરી, શોધ ક્યાં તારી કરું,
આ વિશ્વ પરનાં વિશ્વની તું, હાથ ઈશને હું ધરું,
છે તું પરી મુજ સ્વપ્ન કેરી, અંધકારે તું મળે,
ચાહું તને દિનમાં તલાશી, ક્યાંય પણ તું ના મળે,
આ હાલ દિલ બેહાલ થાતાં, આહ મનમાં છું ભરું,
આ વિશ્વ પરનાં વિશ્વની તું, હાથ ઈશને હું ધરું...
રાખું ગઝલમાં ને કવનમાં, યાદને અકબંધ શી,
શાહી બને મારી સુવાસી, કસ્તુરીની ગંધ શી,
શબ્દો બને જીવંત સરિતા, વ્હેણ એમાં છું તરું,
આ વિશ્વ પરનાં વિશ્વની તું, હાથ ઈશને હું ધરું...
એ દોસ્ત કરતાં ટીખળી ને, લાલ થાતાં ગાલ છે,
શું શું કહું શું ના કહું કે, શું અમારા હાલ છે,
તુજ નામથી જીવીત આજે, નામ વિણ છું હું મરું,
આ વિશ્વ પરનાં વિશ્વની તું, હાથ ઈશને હું ધરું...
કેમે કરી ભૂલું સખીરી, શોધ ક્યાં તારી કરું,
આ વિશ્વ પરનાં વિશ્વની તું, હાથ ઈશને હું ધરું.
*- ભાવિન દેસાઈ 'અકલ્પિત'*