સ્પર્શે સ્પર્શે ટહુકાને ઓઢી બેઠી છુ
યૌવન ભીનાં લટકાને ઓઢી બેઠી છું,
ઓલ્યા સૂરજને ઉગવા ના દેશો કોઈ,
નસ નસમાં હું તડકાને ઓઢી બેઠી છું,
વ્યાકુળતાનાં સાક્ષી, ફડફડતાં પારેવા,
ધડકન ચુક્યા થડકાને ઓઢી બેઠી છું,
આંખોથી ભીંજવતી વ્હાલપની હેલી લઇ
ભીના ભીના રણકાને ઓઢી બેઠી છું,
અગ્નિ શું બાળે વ્યગ્ર 'તૃષા'નાં પાલવને ??
અંગે અંગે ભડકાને ઓઢી બેઠી છું
પૂર્ણિમા ભટ્ટ'તૃષા'