કલશોર થાશે ગઝલ
આ હૃદયમાં યાદનો કલશોર થાશે,
આંખ મારી એ પછી ગુલમ્હોર થાશે
દ્વાર પર ટહુક્યા કરે છે ટોડલાં બે,
ઝંખના મારી બધી યે મોર થાશે.
ના ફરે લીલાશ પાછી પાંદડાંમાં,
લાખ ચાહે ઝાકળે તરબોળ થાશે.
કોણ આ રોપી ગયું છે વેદનાઓ?
કાલ એ બધ્ધી ઉગીને થોર થાશે.
અલ્વિદા "સ્વપનિલ" કહે હસતાં મુખે પણ--
અશ્રુઓ તુજ પાંપણોની કોર થાશે.
તનસુખ શાહ.
"સ્વપ્નિલ"