'ઘાયલ' સાહેબના રદીફ પર થી રચના
માણસ બનીને કયાં કદી ઈશ્વર સુધી ગયાં
યાચક બનીને આજ એ મંદિર સુધી ગયાં
જેને તુ સમજતો જ રહયો આપ્તજન સદા
સઘળા એ બાળવા તને પાદર સુધી ગયાં
જેઓ કરી શકયા નહીં કિંમત પ્રસ્વેદ ની
ક્ષોભીજનો શરમ મુકી અત્તર સુધી ગયાં
સાબિત કરી છે જાત અમારી ય આ રીતે
કમજોર અશ્વ લઈ અમે બંજર સુધી ગયાં
સપનાં ય સપ્ત રંગી તમારા સજાવવા
આ મેઘધનુષ પામવા અંબર સુધી ગયાં
કયાં ઓળખ્યો કદીય જે આવ્યો ફકીર થઈ
એ શોધવા પછી અમે ઘર ઘર સુધી ગયાં
કરવી હતી બે વાત અમારે તમારી પણ
બસ એજ જાણવા તમારા ઉર સુધી ગયાં
મુકેશ જોગી "પાગલ"