✅
18 may...
મૂળ નામ ફરીદ મહમ્મદ ગુલામનબી મન્સૂરી. પાસપોર્ટ વિના આદિલ મન્સૂરીના પિતા 1948માં અમદાવાદથી પાકિસ્તાન ગયા. આઠ વર્ષે અમદાવાદ પરત આવ્યા ત્યારે ખબર પડી કે ભારતીય નાગરિકત્વ ગુમાવી બેઠા છે. વીસ વર્ષ સુધી કોર્ટમાં નાગરિકત્વ પરત મેળવવા માટે કેસ ચાલ્યો. ખબર પડી કે હવે સરકાર પકડીને સામા કિનારે મૂકી આવશે જ્યાં પાકિસ્તાન સરકાર પાસપૉર્ટ સમય પર રિન્યુ ન કર્યો હોવાના ગુનાસર ધરપકડ કરશે. આ સંજોગોમાં લખાઈ આ ગઝલ… કોઈ એક ગઝલના કારણે કોઈ કવિને એમના દેશનું ગુમાઈ ગયેલું નાગરિકત્વ પરત મળ્યું હોય એવી ઘટના તો કદાચ વિશ્વભરના સાહિત્યજગતમાં નહીં બની હોય. (લયસ્તરો)
નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દૃશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.
ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.
પરિચેતોને ધરાઈને જોઈ લેવા દો,
આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે.
ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.
રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,
પછી કોઈને કોઈની કબર મળે ન મળે.
વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં,
ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે.
વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.
– આદિલ મન્સૂરી (જન્મ: ૧૮ મે ૧૯૩૬ – મૃત્યુ: ૬ નવેમ્બર ૨૦૦૮)
જ્યારે અનિવાર્ય સંજોગોમાં એમણે પોતાનું વતન અમદાવાદ છોડવું પડેલું ત્યારે એ સાબરમતીની હવાને શ્વાસોમાં ભરતાં ભરતાં એમના હૃદયમાંથી ઉઠેલી એક તીવ્ર ચીસ, એટલે આ ’મળે ન મળે’ ગઝલ!! જે આજે તો એમનાં નામનો પર્યાયસમી બની ગઇ છે. જ્યારે આ ગઝલને કોઇ પણ વાંચે છે ત્યારે એમની વેદના આ ગઝલમાં અચૂક અનુભવાય છે. બર્મિંગહામનાં એક મુશાયરામાં જ્યારે એમણે ‘મળે ન મળે’ ગઝલ રજૂ કરેલી ત્યારે કાર્યક્રમને અંતે એક બહેને આવીને એમને કહેલું, ‘આદિલભાઇ, આ કાવ્ય સાંભળીને હું રડી પડી.’ ત્યારે અત્યંત સાહજિકતાથી એમણે કહેલું કે ‘બહેન, મેં એ રડતા રડતા જ લખેલું!’
આજે આદિલ મન્સુરી નો જન્મદિન છે.
✅