નજર સામે જ ખોટું થાય તો પણ બોલવાનું નૈં
ભલે તારાથી ના સહેવાય તો પણ બોલવાનું નૈં.
અહીં ઊભા બજારે કોઈ ખેંચે દ્રૌપદીના ચીર,
દશા તારાથી ના જોવાય તો પણ બોલવાનું નૈં.
લડે છે ગામ વચ્ચે બે વિરોધી આખલા અલમસ્ત,
છડે ચોકે અહમ ટકરાય તો પણ બોલવાનું નૈં.
ગુલામી ઘર કરી ગઈ છે બધાની વારસાઈમાં ,
ફરીથી દેશ આ લૂંટાય તો પણ બોલવાનું નૈં.
દલાલી થાય છે તાજી કળીઓની, ફૂલોની રોજ,
ચમનની લાગણી દુભાય તો પણ બોલવાનું નૈં.
જગતના જીવતા તીરથ સમા મા બાપ દુઃખી છે,
ને પથ્થર ગોખલે પૂજાય તો પણ બોલવાનું નૈં.
સફર 'સાગર'ની ખેડો તો સહન કરવા પડે વિધ્નો,
લહર છાતી ઉપર અથડાય તો પણ બોલવાનું નૈં.
..... રાકેશ સગર, સાગર,