પ્રભુ છે કે નહીં એ રામ જાણે !
ખરું છે કે નહીં એ રામ જાણે !
અહીં હું તથ્ય શોધું છું હજીયે
હતું, છે કે નહીં એ રામ જાણે !
બધાં કંઈ પામવા માટે જીવે છે
કશું છે કે નહીં એ રામ જાણે !
જેને સર્વસ્વ કહો છો તે ખરેખર
બધું છે કે નહીં એ રામ જાણે !
છતાં કંઈપણ સતત ઓછું પડે છે
વધુ છે કે નહીં એ રામ જાણે !
હું પંખી છું ને આકાશે ઊડું છું
તરુ છે કે નહીં એ રામ જાણે !
ખભા પર ભાર છે વૈતાલ જેવો
મડું છે કે નહીં એ રામ જાણે !
ખરું કહુ તો મેં ગમતું ગીત ગાયું
ગળું છે કે નહીં એ રામ જાણે !
ગઝલ ક્યારેક મક્તા પર ટકે છે
ગજું છે કે નહીં એ રામ જાણે !
ભરત ભટ્ટ