જિંદગી પણ જીતવા જીદે ચઢી છે.
મોત સામે ઠાઠથી જાતે લઢી છે.
પાઠ અનુભવના બધા જાતે ભણ્યા છે,
જિંદગીની ચોપડી કાયમ પઢી છે.
શ્રી સવાને બે વખત ભેગા કરી દે ,
ને ગણી લે , પ્રેમના અક્ષર અઢી છે.
સ્નેહથી મા જે જમાડે એ જમી લે જે,
ખીચડી સ્વાદિષ્ટ ને મીઠી કઢી છે.
રામ મારા ક્યાંક આવે એટલે જો ,
આ હૃદયની ઝૂંપડી સોને મઢી છે.
એટલે સંસ્કારિતા છે ગુર્જરીમાં ,
બાપ ગઢ ગિરનાર , માં પાવાગઢી છે.
શૈલેષ ચૌહાણ
' વિસ્મય '