તમસ આ થશે દૂર, પ્રગટાવ દીવો;
સમયની થઈ ભૂલ, પ્રગટાવ દીવો.
બધી એષણાઓ કહી ગઈ મને કે,
થશે એ ફળીભૂત, પ્રગટાવ દીવો.
ઘણી આશ જોજે પ્રગટશે ફરીથી;
નિરાશા કરી દૂર, પ્રગટાવ દીવો.
ગળા ડૂબ અંધાર ભાગી જશે ને;
પ્રગટશે નવા નૂર, પ્રગટાવ દીવો.
નહીં થાય ટૂંકી પછેડી કદી પણ;
નહીં કો' પડે તૂટ, પ્રગટાવ દીવો.
અરથ તો પછી એમ આવ્યા કરે છે;
શબદને ચડે શૂર, પ્રગટાવ દીવો.
ડૉ. મુકેશ જોષી