છેલ્લું સ્મિત
કનુ અસામલીકર
મારી સ્મશાન યાત્રામાં
કોઈ ફરક્યું જ નહીં..
કુટુંબ નાં આઠ દશ સ્વજનો એ
મારી નનામી ને કાંધ આપતાં પહેલા
મારું વિલ ચકાસેલું...
ના ફૂલો..ના શ્રીફળ
ના પત્નિ ની ઉતારેલી બંગડીઓ
ફક્ત સફેદ કફન ઓઢાડીને
કાથી ની દોરડી થી કચકચાવીને
મારા શબ નાં બે હાથ બહાર કાઢી
નનામી બાંધજો..
બસ
પછી
એમજ નીકળી મારી સ્મશાન યાત્રા
ત્યારે થોડી ભીડ ભાળીને ભાગી છૂટવા મથતો મારો " હું" તોફાને ચડ્યો,
એને હજું હાથી ની અંબાડી પર બેસીને
સેર સપાટા કરવા હતાં.
કાથી ની દોરડી થી બંધાયો છતાં
પરોણાગતે નીકળેલો આત્મા
ગત પામે એ પહેલા મારો " હું"
મારા જ ખંડેર ઘરમાં ધામા નાંખવા તલપાપડ હતો,
પરંતુ
મારી નનામી સાથે બંધાયેલ હુંને
મારા આત્મા એ જરાય મોકો ના આપ્યો.
ચાર ડાધુઓ એ જોરદાર જવાબદારી લીધી.
મારા ," હું" ની અંગત ઓળખને
મારા આત્મા નો અવાજ ગાંઠવા દેતો નથી.
એટલે તો
હિતેચ્છુઓ ની ભીડ ભેગી જ ના થઈ.
" હું" હવે પ્રબલ બનતો જતો હતો
એને કમૅ કર્યા સિવાય
નામ કમાવું હતું
કંકુ માં પગલાં પાડવા હતા
ભરબજારની ભીંતે ચીતરાય જવું હતું
પરંતુ
" હું" ની ઓળખ એ મારી ન હોતી.
જેણે મને ઓળખ્યો.. પારખ્યો
એતો " હું" ની વિટંબણા હતી.
પછી
સ્વજનો નાં ડરથી
ભાગી છૂટવા નાં ધમપછાડા કરે છે
ત્યારે ઓળખની બચેલી ઓળખ
કનુ અસામલીકર માં સ્વરૂપાય છે.
મારી નનામી સ્મશાને પહોંચી તે પહેલા
પાદર માં ઉભેલા હજારો ચાહકો
ચોધાર આંસુડે છાતી કૂટતા જોઈ
મારા અસ્થિ ની છાતી માં છુપાયેલો
બચ્યો ખુચયો " હું" ચીસાચીસ કરતો
બહાર નીકળી રફુચક્કર થઈ જાય છે
ત્યારે
અભેદ આત્મા ની દિવ્યતા નું છેલ્લું સ્મિત
સ્મશાન ની ભીડ ને વૈરાગ્ય માં મૌન
બનાવી દે છે.