મેં રણો તો પાર કર્યાના ઘણા છે દાખલા;
ઝાંઝવા સાકાર કર્યાના ઘણા છે દાખલા.
છે હકીકત કે હું મારું પણ કદી માનું નહીં;
ને હૃદયના તાર ખર્યાના ઘણા છે દાખલા.
જો બિલાડી આમ આડી ઉતરે તો શું કરું?
મેં શકન શ્રીકાર કર્યાના ઘણા છે દાખલા.
પ્રશ્નની તો પોઠ વણઝારા બની ચાલી પડે;
એક બે અસવાર કર્યાના ઘણા છે દાખલા.
શબ્દનો બસ સાર કાઢી આપવું પૂરતું નથી;
અર્થનો આકાર કર્યાના ઘણા છે દાખલા.
એટલે તો ક્યાં કદી અભિભૂત છું ઐશ્વર્યથી?
શૂન્યથી સંસાર કર્યાના ઘણા છે દાખલા.
ડૉ. મુકેશ જોષી