ભરત ભટ્ટ
----------------------------------------------
દરિયાને પાર કરવા ઝરણાંની પાર થઈ જા!
પહેલા પ્રથમ તું જળના પડઘાની પાર થઈ જા !
પગલું ધીમે મૂકીને પગલાંની પાર થઈ જા !
થોડું બતાવી પાણી ભડકાની પાર થઈ જા !
હે,ચંદ્ર ! આજે અડધાપડધાની પાર થઈ જા !
તું કોઈપણ પ્રયાસે તડકાની પાર થઈ જા !
ઠીંગણા વજૂદ જેવી કીડી સમી કતારો;
કાળી ને લાલ લાંબી અફવાની પાર થઈ જા!
પોતાની જાત સામે પ્રત્યક્ષ થા પરંતુ ;
પહેલાં તું પારદર્શક ટૂકડાની પાર થઈ જા !
ભંગુરક્ષણનું હોવું પર્યાપ્ત છે ,એ સમજ્યા ;
કિન્તુ પરંતુ લાંબા અરસાની પાર થઈ જા !
પ્રેક્ષકની જેમ કયાં લગ બેસી રહીશ, પંડિત ?
પરચાની પાર થઈ જા, પડદાની પાર થઈ જા !