"કાગળ" એના પોતાના શબ્દો.
ક્યારેક જાડો, ક્યારેક પાતળો,
ક્યારેક પોચો, ક્યારેક કઠણ,
હું કાગળ.
ક્યારેક ચમકું, ક્યારેક રંગીન,
ક્યારેક રંગાવું, ક્યારેક કંઈ બનાવું,
હું કાગળ.
ઝાડમાંથી બનું, ઝાડ પર લખાવું,
જીવના ભોગે નજીવી કિંમત મારી,
હું કાગળ.
એકલો હું કાગળ, સહિયારો થપ્પો,
બંધાઉ તો ડાયરી, પુસ્તક કે નોટ હું,
હું કાગળ.
લખાઈ જાઉં તો લખાણ જ દેખાય,
રઝળતો પડ્યો હોઉં તો કચરાનો હું,
હું કાગળ.
છપાઈ ને બંધાઈ જાઉં તો પુસ્તક,
લખાઈને મોકલાઈ જાઉં તો કાગળ.
હું કાગળ.
બધાની વાત જાણી સાચવું હું,
કોઈના ભાવ કોતરાવી રડું હું,
હું કાગળ.
કોઈને હૈયે વ્હાલો, કોઈને રદ્દી છાપું,
કોઈને રમત, કોઈને ચિત્ર વ્હાલો હું,
હું કાગળ.
કદી નાણું થઈ જગ જોઉં હું,
કદી કબાટમાં વર્ષો રાહ જોઉં હું,
હું કાગળ.
શું થશે મારું ચિંતા નઈ મને,
ખુશ કે છું ઉપયોગમાં સદા હું,
હું કાગળ.
- આચાર્ય જિજ્ઞાસુ ચૌહાણ